- ક્વાર્ટર ફાઇનલ માર્કેટા વોન્ડ્રોસોવા અને સોરાના ક્રિસ્ટિયુ વચ્ચે રમાશે
- ઇગા સ્વિયાતેકે બે વખતની ચેમ્પિયન ઇલેના સ્વિટોલિનાને હરાવી
- સ્વિયાતેકનો આગામી મુકાબલો છઠ્ઠી ક્રમાંકિત ક્વિનવેન ઝેંગ સામે થશે
અમેરિકાની યુવા ખેલાડી કોકો ગોફે ધીમી શરૂઆત કરવા ઉપરાંત બીજા સેટમાં ચેર અમ્પાયર સાથે દલીલબાજી કરી હોવા છતાં કેરોલિના પ્લિસકોવાને ત્રણ સેટના મુકાબલામાં હરાવીને દુબઇ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રીજી ક્રમાંકિત ગોફે 2-6, 6-4, 6-3થી વિજય હાંસલ કરીને પ્લિસકોવાના 11 મેચથી ચાલી રહેલા વિજયરથને અટકાવી દીધો હતો. ગોફનો આગામી મુકાબલો રશિયાના એન્ના ક્લિન્સકાયા સામે થશે જેણે નવમી ક્રમાંકિત જેલેના ઓસ્ટાપેન્કોને 6-4, 7-5થી હરાવી હતી. વિશ્વની પ્રથમ ક્રમાંકિત પોલેન્ડની ઇગા સ્વિયાતેકે બે વખતની ચેમ્પિયન ઇલેના સ્વિટોલિનાને 6-1, 6-5થી હરાવીને અંતિમ-8માં સ્થાન મેળવ્યું હતું. ચોથી ક્રમાંકિત ઇલેના રિબાકિના પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ મગ્દાલેના ફ્રેચને 7-6 (5), 3-6, 6-4થી હરાવી હતી. સ્વિયાતેકનો આગામી મુકાબલો છઠ્ઠી ક્રમાંકિત ક્વિનવેન ઝેંગ સામે થશે જેણે એનેસ્તેસિયા પોટાપોવાને કોઈ પણ મુશ્કેલી વિના 6-3, 6-2થી હરાવી હતી. રિબાકિના અંતિમ-8ની મેચમાં ઇટાલીની જાસ્મીન પાઓલિની સામે ટકરાશે જેણે આઠમી ક્રમાંકિત મારિયા સક્કારી સામે 6-4, 6-2થી વિજય હાંસલ કર્યો હતો. અન્ય ક્વાર્ટર ફાઇનલ માર્કેટા વોન્ડ્રોસોવા અને સોરાના ક્રિસ્ટિયુ વચ્ચે રમાશે.










