- પ્લિસકોવા અને મેડિસન કિસની આગેકૂચ જારી
- દોહા ઓપનમાં ચેમ્પિયન બનેલી સ્વિયાતેકનો આ સતત પાંચમો વિજય
- દુબઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો
વિશ્વની પ્રથમ ક્રમાંકિત પોલેન્ડની ઇગા સ્વિયાતેક આસાન વિજય સાથે દુબઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેણે રાઉન્ડ ઓફ 16ના મુકાબલામાં લ્યૂડમિલા સેમસોનોવાને 72 મિનિટમાં 6-1, 6-0થી હરાવી હતી. ગયા સપ્તાહે દોહા ઓપનમાં ચેમ્પિયન બનેલી સ્વિયાતેકનો આ સતત પાંચમો વિજય છે. તે ગયા વર્ષે દુબઇ ઓપનના બીજા રાઉન્ડમાં જેલેના ઓસ્ટાપેન્કો સામે હારી ગઇ હતી. સ્વિયાતેકનો આગામી મુકાબલો કેરોલિના પ્લિસકોવા સામે થશે જેણે એનહેલિના કલિનિનાને 7-5, 6-7 96), 6-2થી હરાવી હતી. પ્લિસકોવા અને સ્વિયાતેક વચ્ચે ગયા વર્ષે 2022માં રોમ ઓપનની ફાઇનલમાં મુકાબલો થયો હતો જેમાં પોલેન્ડની ખેલાડીએ 6-0, 6-0થી વિજય હાંસલ કર્યો હતો.
અન્ય મુકાબલામાં વિશ્વની 23મી ક્રમાંકિત મેડિસન કિસે પણ 57 મિનિટમાં 15મા ક્રમાંકિત વિક્ટોરિયા અઝારેન્કોને 6-2, 6-1થી હરાવી હતી. અઝારેન્કો સામેના છેલ્લા પાંચ મુકાબલામાં આ તેનો પ્રથમ વિજય રહ્યો હતો. મેડિસનનો આગામી મુકાબલો અમેરિકાની કોકો ગોફ સામે થશે જેણે એલેકસાન્દ્રા સાસનોવિચને 6-0, 6-4થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.










