- હજુ સુધી ટૂર્નામેન્ટમાં સતત અજેય રહેલી ટીમ ઇન્ડિયા જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશનો પ્રયાસ કરશે
- અફઘાનિસ્તાન સામે પરાજય બાદ ઓસ્ટ્રેલિયાએ કોઇપણ ભોગે ભારતને હરાવવું જ પડશે
- ભારતે સુપર-8 માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે જીત મેળવી છે
આત્મવિશ્વાસથી છલકાતી ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કાની પોતાની અંતિમ મેચમાં સોમવારે ઓસ્ટ્રેલિયાને હરાવીને અંતિમ ચારમાં પ્રવેશ મેળવવાના ઇરાદા સાથે ઊતરશે જ્યારે અફઘાનિસ્તાન સામેની અનઅપેક્ષિત હાર બાદ ઓસ્ટ્રેલિયા માટે આ મેચ ડૂ ઓર ડાઇ સમાન બની ગઇ છે.
ભારતીય ટીમ સતત જીત સાથે ગ્રૂપમાં ટોચ પર રહીને સેમિફાઇનલમાં રમવા ઊતરવા માગશે. જ્યારે અફઘાનિસ્તાન સામેની હાર બાદ 2021ની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમે કાલની મેચમાં હાર બાદ સ્પર્ધા બહાર જવું પડી શકે છે.અફઘાનિસ્તાન સામે પરાજય બાદ ઓસ્ટ્રેલિયાએ જીતની સાથે આ પ્રાર્થના પણ કરવી પડશે કે રાશિદ ખાનની ટીમ સોમવારની રાત્રે બાંગ્લાદેશ સામેની મેચમાં પરાજિત થાય. આઇસીસી ટૂર્નામેન્ટોમાં મોટાભાગે ઓસ્ટ્રેલિયા સામે પરાજિત થનારી ભારતીય ટીમ પોતાના આ દમદાર હરીફને ટૂર્નામેન્ટમાંથી જલદી બહાર ફેંકવાની ફિરાકમાં રહેશે.










