• 5 જૂને ભારત અને આર્યલેન્ડ સામસામે
  • 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ
  • ભારત-પાકિસ્તાન મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે

નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દિવસે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે ટકરાશે. આ પછી 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. આ મુકાબલો ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જાણો આ સ્ટેડિયમ વિશે.

આ કંપનીએ સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરી છે

આ 34,000 સીટ ધરાવતું સ્ટેડિયમ વિશ્વનું પ્રથમ મોડ્યુલર ક્રિકેટ સ્ટેડિયમ છે. તે 8 T20 વર્લ્ડ કપ 2024 મેચોની યજમાની કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અનુસાર, સ્ટેડિયમ પર કામ જાન્યુઆરી 2024માં શરૂ થયું હતું અને મે 2024 સુધીમાં પૂર્ણ થશે. આ સ્ટેડિયમની ડિઝાઈન આર્કિટેક્ટ ફર્મ પોપ્યુલસ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડિઝાઈન તૈયાર કરી છે. પોપ્યુલસે ન્યૂયોર્કમાં યાન્કી સ્ટેડિયમ અને લંડનમાં ઈંગ્લિશ પ્રીમિયર લીગ સ્થળ, ટોટનહામ હોટ્સપુર સ્ટેડિયમ પણ ડિઝાઇન કર્યું હતું.

 

ફ્લોરિડામાં પિચ તૈયાર

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની વિકેટ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ અને ન્યુઝીલેન્ડના ઈડન પાર્કમાં ઉપયોગમાં લેવાતી ડ્રોપ-ઈન સ્ક્વેર હશે. ફ્લોરિડામાં પિચ તૈયાર કરવામાં આવશે અને મેની શરૂઆતમાં રોડ માર્ગે ન્યૂયોર્ક લઈ જવામાં આવશે. પિચોના વિકાસનું નેતૃત્વ એડિલેડ ઓવલના ચીફ ક્યુરેટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આઉટફિલ્ડ યુએસ સ્થિત સ્પોર્ટ્સ ટર્ફ નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે.

20 ટીમો વચ્ચે 55 મેચ રમાશે

T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં 3 મેદાન પર મેચ રમાશે. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ ઉપરાંત, તેમાં ફ્લોરિડામાં બ્રોવર્ડ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમ અને ટેક્સાસમાં ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. ખિતાબ માટે આ ટીમો વચ્ચે 55 મેચ રમાશે.

  • Follow us on: