- 1 જુનથી શરૂ થઇ રહ્યો છે T20 વર્લ્ડકપ
- ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે
- 9 જૂને રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
આ વખતે T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે, જે 5 જૂને રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ 9 જૂને ન્યૂયોર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચો અહીં રમશે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેલે આ મેચને લઈને પ્રતિક્રિયા આપી છે. ગેલે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી આ મેચ શાનદાર રહેશે.
ભારત – પાકિસ્તાનની મેચને લઇ ગેલ ઉત્સાહિત
ક્રિસ ગેલે કહ્યું ICC ક્રિકેટને વૈશ્વિક સ્તરે ફેલાવવા માંગે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્કમાં રમાશે. મને ખાતરી છે કે આ મેચ શાનદાર રહેશે. તેઓએ (USA) ગયા વર્ષે ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જે સફળ રહ્યું હતું. ક્રિકેટ માટે એક મોટું બજાર અહીં ઊભું થઈ શકે છે.યુએસએ અને તેની આસપાસના દેશોમાં ક્રિકેટ હજી બહુ લોકપ્રિય નથી. આ જ કારણસર ICC આ વખતે અહીં T20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે.
ભારતનું પલડુ ભારે
નોંધનીય છે કે ટી-20 ફોર્મેટમાં ભારતે પાકિસ્તાન પર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 12 T20 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 8 મેચ જીતી છે. 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ થઈ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી T20 મેચ ઓક્ટોબર 2022માં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. જો કે આ પહેલા ભારતને 4 સપ્ટેમ્બર 2022ના રોજ રમાયેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફરી એકવાર બંને ટીમો આમને-સામને થશે.