- રેણુકા સિંહ સામે આગળ જઈને શોટ લેવાનો પ્રયાસ કરતાં ઓર્લા પ્રેન્ડરગાસ્ટે આઉટ
- આની પહેલાંની મેચમાં રેણુકાએ T20 વર્લ્ડ કપમાં પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું
- રેણુકા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મહિલા ફાસ્ટ બોલર
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023માં, ભારતીય ટીમ તેના લીગ તબક્કાના મુકાબલામાં આયર્લેન્ડ સામે જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક અડધી સદીની ઇનિંગે 56 બોલમાં 87 રન બનાવ્યા હતા. જો કે તેની પાસે સદી પૂરી કરવાની તક હતી પરંતુ તે ચૂકી ગઈ. આ રીતે ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા.
ત્યારબાદ હવે બોલિંગનો વારો હતો. બોલિંગમાં ફરી એકવાર રેણુકા સિંહે ટીમ ઈન્ડિયા માટે શરૂઆત કરી અને પહેલી જ ઓવરમાં વિકેટ લઈને આયર્લેન્ડને ચોંકાવી દીધું. રેણુકાએ પ્રથમ ઓવરના પાંચમા બોલ પર ઓપનર ઓર્લા પ્રેન્ડરગાસ્ટને બોલ્ડ કર્યા હતા.
ઓર્લા પ્રેન્ડરગાસ્ટે સતત ચાર બોલ રમ્યા હતા પરંતુ તે પોતાનું ખાતું ખોલાવી શકયા નહોતા. આવી સ્થિતિમાં તેમણે રેણુકા સિંહ સામે આગળ જઈને શોટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંપૂર્ણપણે ચૂકી ગયા અને બોલે વિકેટને હવામાં ઉડાડી દાધી. આ રીતે રેણુકાએ પહેલા જ ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવી દીધી હતી.
ઈંગ્લેન્ડ સામે પંજો ખોલ્યો હતો
આની પહેલાંની મેચમાં રેણુકાએ T20 વર્લ્ડ કપમાં પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. આ મેચ ઈંગ્લેન્ડ સામેની હતી. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં રેણુકા સિંહનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું. રેણુકાએ તેમની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 15 રન આપ્યા અને જેમાં તેમને પાંચ વિકેટ મળી હતી.
રેણુકા ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મહિલા ફાસ્ટ બોલર પણ છે, જેણે પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે પ્રિયંકા રોયે 2009ના T20 વર્લ્ડ કપમાં પણ પોતાના પંજા ખોલ્યા હતા, પરંતુ તેમણે સ્પિન બોલિંગમાં આ કારનામું કર્યું હતું.