- T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન
- ટ્રોફી જીત્યા બાદ રોહિત-વિરાટે T20Iમાંથી લીધો સંન્યાસ
- રૈનાએ બંને ખેલાડીઓને જર્સી નંબર રિટાયર કરવાની કરી માંગ
T20 વર્લ્ડકપ 2024ની વિજેતા ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ટૂર્નામેન્ટના મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બંને ચેમ્પિયન ખેલાડીઓની નિવૃત્તિની જાહેરાતથી ક્રિકેટ ચાહકો ખૂબ જ નિરાશ છે.
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો આ બંને ખેલાડીઓને વધુ રમતા જોવા માંગતા હતા. જો કે, આ બંને ખેલાડીઓના નિવૃત્તિના નિર્ણય પર ચાહકોની સાથે સાથે ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડીઓની પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ BCCI પાસે અનોખી માંગ કરી છે.
રૈનાએ BCCI પાસે અનોખી માંગ કરી
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ કહ્યું, “હું BCCIને જર્સી નંબર-18 અને જર્સી નંબર-45ને રિટાયર કરવા વિનંતી કરું છું. BCCIએ આ જર્સીને પોતાની ઓફિસમાં રાખવી જોઈએ. BCCI પહેલા જ જર્સી નંબર 7 રિટાયર કરી ચૂક્યું છે. BCCIએ જર્સી નંબર 18 અને જર્સી નંબર 45 માટે પણ આવું જ કરવું જોઈએ. નવા ક્રિકેટરો આ જર્સીમાંથી પ્રેરણા લેશે.
આ બંને જર્સીએ ટીમ ઈન્ડિયાને અનેક પ્રસંગોએ જીત અપાવી છે. "ક્રિકેટના મેદાનમાં આવનારા નવા લોકોને આ જર્સી જોઈને પ્રેરણા મળવી જોઈએ." ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની જર્સી નંબર 45 છે. તે જ સમયે, વિરાટ કોહલીની જર્સી નંબર 18 છે. સુરેશ રૈના BCCIને આ બંને જર્સીને રિટાયર કરવાની અપીલ કરી રહ્યો છે.
BCCIએ અત્યાર સુધીમાં કેટલી જર્સી નિવૃત્ત કરી છે?
BCCIએ અત્યાર સુધી માત્ર 2 જર્સી રિટાયર કરી છે. મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ પછી, BCCIએ તેમના સન્માનના ચિહ્ન તરીકે તેમની જર્સી નંબર 7 રિટાયર કરી દીધી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન તરીકે ભારતને બે વખત વર્લ્ડકપ ટ્રોફી જીતાડી હતી. આ પહેલા 2017માં BCCIએ સચિન તેંડુલકરની જર્સી નંબર-10 હંમેશ માટે રિટાયર કરી દીધી હતી.