• ઈંગ્લેન્ડ આજે નામિબિયાને હરાવે તો પણ ઓસી. અને સ્કોટલેન્ડની મેચ પર આધાર રહેશે

  • ઈંગ્લેન્ડની ટીમે માત્ર 19 બોલમાં જ 48 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો
  • ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં આઈસીસીના સંપૂર્ણ સભ્ય દેશની સૌથી મોટી જીત

ટી-20 વર્લ્ડકપ 2024માં ગ્રૂપ-બીની મેચમાં ઈંગ્લેન્ડે ઓમાનને આઠ વિકેટે હરાવી રેકોર્ડની વણજાર સર્જી છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડના ત્રણ મેચમાં ત્રણ પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટસ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ઓમાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 13.2 ઓવરમાં 47 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમે માત્ર 19 બોલમાં જ 48 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડે 101 બોલ બાકી રાખી વિજય મેળવ્યો હતો જે ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં આઈસીસીના સંપૂર્ણ સભ્ય દેશની સૌથી મોટી જીત હતી. મેન્સ ટી-20 વર્લ્ડકપમાં પણ સૌથી વધારે બોલ બાકી રાખી ઈંગ્લેન્ડે વિજય હાંસલ કર્યો હતો. ઓમાનના બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના બોલરો સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. રાશિદે 11 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. માર્ક વુડ અને જોફ્રા આર્ચરે પણ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના સુકાની જોશ બટલરે આઠ બોલમાં 4 બાઉન્ડ્રી અને એક સિક્સરથી અણનમ 24 રનની ઈનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડ રનરેટના મામલે સ્કોટલેન્ડથી આગળ

ઓમાન સામે જીત મેળવી ઈંગ્લેન્ડના ત્રણ મેચમાં ત્રણ અંક સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. માત્ર 19 બોલમાં વિજય મેળવ્યા બાદ ટીમના રનરેટમાં સારો ફાયદો થયો છે જે હાલ +3.081 છે. ગ્રૂપ-બીમાં ઓસ્ટ્રેલિયા પહેલેથી જ 6 અંક સાથે સુપર-8માં પહોંચી ગયું છે. સ્કોટલેન્ડ ત્રણ મેચમાં પાંચ અંક સાથે બીજા સ્થાને છે. સ્કોલેન્ડની રનરેટ 2.164 છે.

આજે નામિબિયા સામે ઈંગ્લેન્ડ ટકરાશે

ટી-20 વર્લ્ડકપની 34મી મેચમાં નામિબિયાની ટક્કર ઈંગ્લેન્ડ સામે થશે. સુપર-8માં જગ્યા બનાવવા ઈંગ્લેન્ડને કોઈપણ ભોગે જીત મેળવવી જરૂરી. ઈંગ્લેન્ડે ત્રણ મેચ રમી છે જેમાં 1માં વિજય અને 1માં હાર મળી છે અને એક મુકાબલો ટાઈ રહ્યો હતો. નામિબિયાની ટીમ ત્રણ મેચમાંથી એકમાં જ વિજય મેળવી શકી, જ્યારે બે મુકાબલામાં ટીમને હારનો સામનો કરવો પડયો હતો. સુપર-8મા ઈંગ્લેન્ડની ટીમ પહોંચશે કે નહિં તે ઓસ્ટ્રેલિયા અને સ્કોટલેન્ડની મેચ પર નિર્ભર રહેશે. સ્કોટલેન્ડ કોઈપણ ભોગે મુકાબલો જીતી સુપર-8માં જગ્યા બનાવવા માગશે. બીજી બાજુ ઈંગ્લેન્ડને પણ નામિબિયા સામે જીત જરૂરી રહેશે.

  • Follow us on: