- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ
- બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડમાં મેચ
- આ મેચમાં ટોસ મહત્વની ભૂમિકા ભજવશે
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ શાનદાર મેચ 29 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. જો કે આ મેચમાં વરસાદ પડવાની ભીતિ સેવાઈ રહી છે. આમ છતાં જો મેચ થાય છે તો ફેન્સના મનમાં સવાલ છે કે પિચ કેવી હશે અને ટોસની ભૂમિકા શું હશે?
બેટ્સમેનોને મદદ મળશે
બાર્બાડોસની પિચ પર બેટ્સમેનોને મદદ મળી શકે છે. અહીં સરેરાશ સ્કોર 170 રનની આસપાસ હોઈ શકે છે. જ્યારે જીતનો સ્કોર 184 રન છે. જો કે, T20 વર્લ્ડકપ 2024માં બાર્બાડોસની પિચ પર વધુ રન બન્યા નથી. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 150 રન છે. આંકડા મુજબ અહીં ઝડપી બોલરોને મદદ મળી શકે છે. છેલ્લા બે વર્ષમાં રમાયેલી 20 મેચોમાં ફાસ્ટ બોલરોએ 145 વિકેટ ઝડપી છે. જ્યારે સ્પિનરોએ 99 વિકેટ ઝડપી છે.
ટીમ ઈન્ડિયાનું પલડું ભારે
જો આપણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20માં હેડ ટુ હેડ મેચોની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો હંમેશા હાથ ઉપર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 14 ડિસેમ્બર 2023ના રોજ રમાયેલી ત્રીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાને 106 રનથી હરાવ્યું હતું.
ટોસની ભૂમિકા શું હશે?
દિવસની રમતને કારણે, ઝાકળ ભૂમિકા ભજવશે નહીં. આવી સ્થિતિમાં લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમને ફાયદો થશે. છેલ્લી ત્રણ મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડ અને યુએસએ વચ્ચેની મેચમાં યુએસએની ટીમ માત્ર 115 રન જ બનાવી શકી હતી. જેનો પીછો કરતા ઈંગ્લેન્ડે માત્ર 9.4 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ થયું. વિન્ડીઝે માત્ર 10.5 ઓવરમાં 129 રનના લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ અહીં 181 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા અફઘાનિસ્તાનની ટીમ 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.