- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ
- ફાઈનલ મેચ માટે બાર્બાડોસ પહોંચી ટીમ ઈન્ડિયા
- આ મેચમાં 70 ટકા વરસાદ થવાની સંભાવના છે
T20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થવાનો છે. આ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. ગઈ કાલે ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલની બીજી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જે બાદ હવે ટીમ ઈન્ડિયાસાઉથ આફ્રિકાના પડકારનો સામનો કરવા જઈ રહી છે. ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયા બાર્બાડોસ પહોંચી ગઈ છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
બાર્બાડોસ પહોંચી ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા હવે ફાઈનલ મેચ માટે બાર્બાડોસ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર આમને સામને થવા જઈ રહ્યા છે. સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્યારે ટીમ ઈન્ડિયા ત્રીજી વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે.
બાર્બાડોસમાં હવામાન કેવું હશે
આ વખતે T20 વર્લ્ડકપમાં વરસાદનું વિઘ્ન જોવા મળ્યું છે. સુપર-8 અને સેમિફાઈનલ સુધી લીગ મેચોમાં વરસાદ જોવા મળ્યો હતો. હવે અહેવાલો સામે આવી રહ્યા છે કે ફાઈનલ મેચમાં પણ વરસાદનો ખતરો છે. 29 જૂને ફાઇનલ મેચ દરમિયાન વરસાદની 70 ટકા શક્યતા હોવાનું કહેવાય છે. જેના કારણે ફેન્સનું ટેન્શન વધવા લાગ્યું છે. જોકે, ICCએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે.