- T20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થશે
- BCCI ટીમ ઈન્ડિયા માટે નવા મુખ્ય કોચની શોધમાં છે
- સ્ટીફન ફ્લેમિંગ BCCIની પહેલી પસંદ હોવાનું પણ કહેવાય છે
BCCI હવે ટીમ ઈન્ડિયા માટે નવા મુખ્ય કોચની શોધમાં છે. T20 વર્લ્ડકપ બાદ વર્તમાન હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે BCCIએ CSK કોચ સ્ટીફન ફ્લેમિંગનો પણ સંપર્ક કર્યો છે અને ફ્લેમિંગ BCCIની પહેલી પસંદ હોવાનું પણ કહેવાય છે. જે બાદ હવે BCCI ફ્લેમિંગને નવા હેડ કોચ બનાવવા માટે એમએસ ધોનીની મદદ લેવાનું વિચારી રહી છે.
ફ્લેમિંગને કોચિંગનો ઘણો અનુભવ છે
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ 2009થી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ છે. ધોનીની કેપ્ટન્સી અને ફ્લેમિંગના કોચિંગ હેઠળ CSKએ 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે. ફ્લેમિંગનો ભારતીય ખેલાડીઓ સાથેનો તાલમેલ પણ તેને અનુકૂળ છે. જેના કારણે તે BCCIની પહેલી પસંદ બની રહે છે. એક અહેવાલ મુજબ, ફ્લેમિંગે વર્ષ 2027 સુધીના પોતાના કોન્ટ્રાક્ટને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને તેણે તેનો ઈન્કાર કરી દીધો હતો.
ધોની ફ્લેમિંગ સાથે વાત કરશે
IPLની શરૂઆતથી જ એમએસ ધોની અને ફ્લેમિંગ ખૂબ જ નજીક છે. આવી સ્થિતિમાં ફ્લેમિંગને ધોનીથી વધુ સારી રીતે કોઈ મનાવી શકે નહીં. જેના પર BCCI વિચારણા કરી રહી છે. ધોની અને ફ્લેમિંગ વચ્ચે મેદાન પર અને મેદાનની બહાર સારી મિત્રતા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે પણ ના પાડી દીધી હતી પરંતુ બાદમાં રાહુલ રાજી થઈ ગયો હતો. આવી સ્થિતિમાં BCCIને હવે આશા છે કે જો ધોની ફ્લેમિંગ સાથે વાત કરશે તો કદાચ તે ટીમ ઈન્ડિયાનો કોચ બનવા માટે રાજી થઈ જશે.
આ લીગમાં કોચની ભૂમિકા ભજવે છે ફ્લેમિંગ
IPLમાં CSK ઉપરાંત, સ્ટીફન ફ્લેમિંગ યુએસએની મેજર લીગ ક્રિકેટ, દક્ષિણ આફ્રિકાની ટેક્સાસ સુપર કિંગ્સ અને જોબર્ગ સુપર કિંગ્સ માટે કોચ છે. આ સિવાય ફ્લેમિંગ ધ હન્ડ્રેડમાં સધર્ન બ્રેવના કોચ પણ છે.