- T20 વર્લ્ડકપ 2024ની 31 લીગ મેચો રમાઈ છે
- 31 મેચ બાદ સુપર-8 માટે 6 ટીમો કન્ફર્મ થઈ ગઈ
- 10 ટીમ સુપર-8ની રેસમાંથી બહાર, 4 ટીમો વચ્ચે જંગ
T20 વર્લ્ડકપનો ઉત્સાહ ચરમસીમાએ છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 31 મેચ રમાઈ છે. 31મી મેચ સાઉથ આફ્રિકા અને નેપાળ વચ્ચે રમાઈ હતી. સાઉથ આફ્રિકાએ આ મેચ એક રનથી જીતી લીધી હતી. આ મેચની હાર સાથે નેપાળ પણ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયું છે.
6 ટીમ સુપર-8માં પહોંચી
T20 વર્લ્ડકપમાં 31 મેચ બાદ સુપર-8 માટે 6 ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએની ટીમ સામેલ છે. પોતાનો પહેલો T20 વર્લ્ડકપ રમી રહેલી યુએસએની ટીમે પહેલા જ સિઝનમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ઘણો પ્રભાવિત કર્યો છે.
10 ટીમો બહાર
જ્યાં એક તરફ 6 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે, તો બીજી તરફ 10 ટીમ સુપર-8ની રેસમાંથી બહાર છે. જેમાં પાકિસ્તાન, કેનેડા, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, નામીબિયા, પાપુઆ ન્યુ ગીની, શ્રીલંકા, યુગાન્ડા, નેપાળ અને ઓમાન સામેલ છે. હજુ બે વધુ ટીમોએ સુપર-8માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનું બાકી છે. જેના માટે હવે ચાર ટીમો વચ્ચે જંગ છે. જે ટીમો બહાર થઈ ગઈ છે તેમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડે આ વખતે ઘણાને ચોંકાવી દીધા છે. બંને ટીમો ઘણી મજબૂત માનવામાં આવે છે પરંતુ આ વર્લ્ડકપમાં આ બંને ટીમો પાછળ રહી ગઈ છે. જેના કારણે આ બંને ટીમ સુપર-8માં પણ જગ્યા બનાવી શકી નથી.
ચાર ટીમો વચ્ચે જંગ
હવે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ અને નેધરલેન્ડની બે ટીમો સુપર-8માં જશે. આ ચાર ટીમોમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ પાસે વધુ તકો હોવાનું માનવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે સુપર-8 માટે છેલ્લી બે ટીમો કોણ હશે.