• ન્યુયોર્કમાં USA સામે ભારતની શાનદાર જીત
  • યુએસની ટીમને ભારતીય બોલર્સે કરી પરાસ્ત
  • અર્શદીપ સહિત 5 ખેલાડીઓના દમ પર મળી જીત

ટીમ ઈન્ડિયાએ બુધવારે ન્યૂયોર્કમાં USA સામે રમાયેલી T-20 વર્લ્ડ કપ મેચમાં 7 વિકેટે શાનદાર જીત નોંધાવી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી યુએસએની ટીમને ભારતીય બોલરોએ મોટો ઝટકો આપ્યો હતો. અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી. આ પછી યુએસએની ટીમ બેકફૂટ પર રહી અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 110 રન જ બનાવી શકી. ત્યારે આવો જાણીએ આ મેચમાં ટીમના કયા ખેલાડીઓ ચમક્યા અને કયા નિષ્ફળ રહ્યા.

અર્શદીપ સિંહ

ટીમ ઈન્ડિયાની જીતનો સૌથી મોટો હીરો અર્શદીપ સિંહ રહ્યો . અર્શદીપે ખૂબ જ ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. અર્શદીપે શયાન જહાંગીરને શૂન્ય, એન્ડ્રેસ ગૉસને 2, નીતીશ કુમારને 27 અને હરમીત સિંહને 10 રન પર આઉટ કર્યા હતા. T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલર દ્વારા અર્શદીપનો આ શ્રેષ્ઠ સ્પેલ હતો. અર્શદીપની આ ઘાતક બોલિંગને કારણે યુએસએની ટીમ બોર્ડ પર મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી.

હાર્દિક પંડ્યા

આ મેચમાં ભારતના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને 2 વિકેટ લીધી. હાર્દિકે મેડન ઓવર ફેંકી હતી. તેણે કેપ્ટન એરોન જોન્સ (11 રન) અને કોરી એન્ડરસન (15 રન)ની મોટી વિકેટ લીધી હતી.

અક્ષર પટેલ

અક્ષર પટેલે યુએસએ સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 25 રન આપ્યા અને એક વિકેટ લીધી. અક્ષરે યુએસએના ઓપનર સ્ટીવન ટેલરની મોટી વિકેટ લીધી હતી. ટેલર 24 રન બનાવીને 12મી ઓવરમાં આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ છેલ્લી કેટલીક મેચોમાં ફ્લોપ રહ્યો હતો, પરંતુ આ મેચમાં તે ટ્રબલ શૂટર બન્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરી રહેલા સૂર્યાએ ઘણી મુશ્કેલીથી ટીમ ઈન્ડિયાને બચાવી હતી. સૂર્યાનો કેચ યુએસએના ફિલ્ડર ચૂકી ગયો હતો. સૂર્યાએ મુશ્કેલ પીચ પર 49 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 50 રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી.

શિવમ દુબે

શિવમ દુબેના ખરાબ પ્રદર્શન પર સતત સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ તેણે યુએસએ સામે હોશિયારીથી બેટિંગ કરી. શિવમ દુબે પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની બેટિંગમાં શાનદાર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબે સૂર્યા સાથે અણનમ રહ્યો હતો. તેણે 35 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા.

આ સ્ટાર બેટ્સમેને વધારી દીધી ચિંતા

ભલે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી હોય, પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર સવાલો ઉભા થયા છે. વિરાટ કોહલી ખરાબ શોટ રમીને પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો. તેને સૌરભ નેત્રાવલકરે આઉટ કર્યો હતો. એન્ડ્રીસ ગૌસે તેનો કેચ પકડ્યો હતો. કોહલીના આઉટ થયા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ શરમજનક પ્રદર્શન કર્યું હતું. તે 6 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. બંને સ્ટાર બેટ્સમેનોના ફોર્મે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી હતી. ત્યારે હવે સુપર-8માં ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.

  • Follow us on: