- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- ભારત પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે
- આ ટૂર્નામેન્ટ પહેલા વિરાટ કોહલીએ આપ્યું નિવેદન
ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ટીમ સાથે જોડાવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા આવતીકાલે એટલે કે 1લી જૂને બાંગ્લાદેશ સાથે તેની એકમાત્ર વોર્મ-અપ મેચ રમવા જઈ રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિરાટ આ મેચમાં રમી શકશે કે નહીં? વર્લ્ડકપ પહેલા કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિરાટે પહેલીવાર અમેરિકામાં યોજાઈ રહેલા વર્લ્ડ કપ વિશે વાત કરી છે.
વિરાટ કોહલીનું નિવેદન
અમેરિકામાં યોજાઈ રહેલા T20 વર્લ્ડકપ 2024 અંગે વિરાટ કોહલીએ કહ્યું કે સાચું કહું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અમે અમેરિકામાં કોઈપણ પ્રકારની રમતમાં ક્રિકેટ રમીશું. પરંતુ હવે તે વાસ્તવિકતા છે અને તે તમને વિશ્વ અને રાજ્યોમાં રમતગમતના વધતા પ્રભાવ વિશે જણાવે છે કે જે આ પરિવર્તન સ્વીકારવા તૈયાર છે.
T20 વર્લ્ડકપમાં વિરાટનો રેકોર્ડ
વિરાટ કોહલી 2012થી T20 વર્લ્ડકપ રમી રહ્યો છે. કોહલીએ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં 27 મેચ રમી છે. કોહલીએ આ 27 મેચોની 25 ઇનિંગ્સમાં 1141 રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટે 14 ફિફ્ટી ફટકારી છે. કોહલીનો વર્લ્ડકપમાં હાઈ સ્કોર અણનમ 89 રન છે, જે તેણે વર્લ્ડકપ 2022માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો. આ સિવાય કોહલી વર્લ્ડકપમાં બે વખત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી ચૂક્યો છે. કોહલી બે વખત પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જીતનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.
T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની મેચો
ટીમ ઈન્ડિયા 5 જૂનથી વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો આયર્લેન્ડ સામે થશે. આ પછી ભારતનો મુકાબલો 9 જૂને પાકિસ્તાન સાથે થશે. ત્યારબાદ 12 જૂને ટીમ ઈન્ડિયાનો મુકાબલો યુએસએ સાથે થશે. આ પછી ટીમ ઈન્ડિયાનો સામનો કેનેડા સામે થશે.