- પાકિસ્તાન સામે અમેરિકાની ઐતિહાસિક જીત
- યુએસએ પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું
- આ મેચમાં કેપ્ટન મોનાંક પટેલની શાનદાર ઈનિંગ
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 વર્લ્ડકપની મેચ વર્ષો સુધી યાદ રહેશે. આ મેચમાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં પીછો કરતી વખતે યુએસએના કેપ્ટન મોનાંક પટેલે શાનદાર બેટિંગ કરી હતી. મોનાંકે 38 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. મોનાંકે 14મી ઓવર સુધી પાકિસ્તાનના વર્લ્ડ ક્લાસ બોલરોને હંફાવ્યા હતા. તેની શાનદાર ઇનિંગ્સના કારણે યુએસએને સારી ભાગીદારી કરવાની તક મળી. જેના કારણે મેચ સુપર ઓવરમાં ગઈ અને યુએસએ પાકિસ્તાનને 5 રને હરાવ્યું હતું.
ગુજરાત માટે અંડર-19 રમ્યો
મોનાંક પટેલનો જન્મ ગુજરાતના આણંદમાં થયો હતો. હાલમાં તેની ઉંમર 31 વર્ષની છે. તે વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા ભજવે છે. ગુજરાત માટે અંડર-16 અને અંડર-19 ક્રિકેટ રમીને મોનાંક અમેરિકા ગયો હતો. આ પછી તેણે અમેરિકામાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, જ્યાં તેણે પોતાનું કૌશલ્ય બતાવ્યું. ઓગસ્ટ 2018માં 2018-19 ICC T20 વર્લ્ડકપ અમેરિકા ક્વોલિફાયર ટુર્નામેન્ટ માટે યુએસએની ટીમમાં મોનાંકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે 6 મેચમાં 208 રન બનાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો.
સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન
આ પછી મોનાંક પીછેહઠ કરી નથી. તે પોતાની કારકિર્દીમાં દરરોજ નવા રેકોર્ડ બનાવતો રહ્યો. તેણે લિસ્ટ A ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. 22 ઓક્ટોબર 2018ના રોજ મોનાંકે જમૈકા સામે રમાયેલી મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આવું કરનાર તે પ્રથમ અમેરિકન ક્રિકેટર બન્યો. ફેબ્રુઆરી 2019માં UAE સામેની USA T20 ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેણે 27 એપ્રિલ 2019ના રોજ પાપુઆ ન્યુ ગિની સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. યુ.એસ.એ. માટે તેના સતત પ્રદર્શન માટે મોનાંકને ટીમનો કેપ્ટન બનાવવમાં આવ્યો હતો.
USAની ટીમનું શાનદાર પ્રદર્શન
USA માટે 47 ODI અને 27 T20 રમી ચૂકેલા મોનાંક પહેલાથી જ ઘણી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યા છે. તાજેતરમાં જ બાંગ્લાદેશ સામે ટી20 સીરીઝ જીતીને મોટા અપસેટના સંકેત દેખાડ્યા હતા. હવે તેના નેતૃત્વમાં યુએસએની ટીમ વર્લ્ડકપમાં ચોંકાવનારું પ્રદર્શન કરી રહી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. બેમાંથી બે મેચ જીત્યા બાદ યુએસએના 4 પોઈન્ટ અને 0.626નો નેટ રન રેટ છે. 12 જૂને અમેરિકા ભારત સામે ટકરાશે. જ્યાં બંને ટીમનું પ્રદર્શન જોવા જેવું રહેશે.