ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી કારમી હાર આપીને શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતે સતત બીજી વખત આ ટાઇટલ જાળવી રાખ્યું છે અને ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. પોતાના ઘરઆંગણે ચેમ્પિયન બનવાનો આ રોમાંચ જ કંઈક અલગ છે. આ ઐતિહાસિક જીત સાથે ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ પણ થયો છે, પરંતુ આ પ્રાઈઝ મનીની રકમ સીધી ખેલાડીઓના બેંક ખાતામાં નથી જતી. ભારતીય ટેક્સ સિસ્ટમ મુજબ આ રકમ પર મોટો ટેક્સ ચૂકવવો પડે છે. ચાલો સમજીએ ખેલાડીઓના હિસ્સામાં કેટલા રૂપિયા આવશે.
ICC નો રેકોર્ડ પ્રાઈઝ પૂલ અને ભારતની કમાણી
આ વર્ષે T20 વર્લ્ડ કપ 2026 માટે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ રેકોર્ડ 13.5 મિલિયન ડોલર (ભારતીય ચલણ મુજબ આશરે 120 કરોડ રૂપિયા) ના પ્રાઈઝ પૂલની જાહેરાત કરી હતી. ગત વર્લ્ડ કપ કરતા આ રકમમાં 20% નો વધારો કરવામાં આવ્યો હતો.
ટુર્નામેન્ટના ચેમ્પિયન તરીકે ટીમ ઇન્ડિયાને 3 મિલિયન ડોલર મળ્યા છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 27.48 કરોડ રૂપિયા થાય છે. બીજી તરફ, રનર-અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમને 1.6 મિલિયન ડોલર (આશરે 14.65 કરોડ રૂપિયા) મળ્યા છે. આ જીતેલી રકમ BCCI (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા) દ્વારા પોતાના આંતરિક નિયમો મુજબ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવે છે.
પ્રાઈઝ મની પર ટેક્સનું ગણિત: કેટલો લાગશે ટેક્સ?
ઘણા ચાહકોને એવો પ્રશ્ન થાય છે કે શું આ 27.48 કરોડ રૂપિયા સીધા ખેલાડીઓને મળી જશે? ના. ભારતીય ઇન્કમ ટેક્સ કાયદા મુજબ, કોઈપણ રમત કે સ્પર્ધામાંથી જીતેલી રકમ 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' (Income from other sources) ની કેટેગરીમાં આવે છે.
ઇન્કમ ટેક્સ એક્ટ 1961 ના સેક્શન 115BB અનુસાર, આવી કોઈ પણ પ્રાઈઝ મની પર સીધો 30% નો ફ્લેટ ટેક્સ લાગે છે. આનો અર્થ એ થયો કે જીતેલી રકમના 30% સીધા ટેક્સ સ્વરૂપે સરકાર પાસે જાય છે.
સરચાર્જ અને સેસથી વધે છે ટેક્સનો બોજ
માત્ર 30% ફ્લેટ ટેક્સ પૂરતો મર્યાદિત નથી. આ બેઝ ટેક્સ ઉપર ખેલાડીઓની કુલ આવકના આધારે સરચાર્જ અને 4% હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ પણ લગાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ કે જેમની આવક કરોડોમાં હોય છે, તેમના માટે આ વધારાના ચાર્જિસને કારણે ઇફેક્ટિવ ટેક્સ રેટ 31.02% થી લઈને 38% સુધી પહોંચી શકે છે.
TDS કપાત પછી જ મળે છે રકમ
ખેલાડીઓને આ રકમ આપતા પહેલા જ ટેક્સ કાપી લેવામાં આવે છે. જ્યારે BCCI ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને તેમના હિસ્સાની પ્રાઈઝ મની ટ્રાન્સફર કરે છે, ત્યારે તેઓ નિયમ મુજબ 30% TDS (Tax Deducted at Source) કાપીને જ બાકીની રકમ ચૂકવે છે. બાદમાં જ્યારે ખેલાડીઓ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરે છે, ત્યારે તેઓ ફાઈનલ ટેક્સ લાયબિલિટીને એડજસ્ટ કરે છે.
ટૂંકમાં, વર્લ્ડ કપ જીત્યા બાદ મળતી કરોડો રૂપિયાની રકમમાંથી એક મોટો હિસ્સો ટેક્સમાં જમા થાય છે. જોકે, ખેલાડીઓ અને દેશ માટે પૈસા કરતા પણ વર્લ્ડ કપ ટ્રોફી ઊંચકવાનું ગૌરવ અને દેશનું નામ રોશન કરવું એ જ સૌથી મોટો પુરસ્કાર છે.