ટી20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆતને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાના કારણે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે, ગત 4 ફેબ્રુઆરીએ નવી મુંબઈમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વોર્મ-અપ મેચ દરમિયાન હર્ષિતને ગંભીર ઈજા થઈ હતી. મેડિકલ ટીમના સ્કેન અને નિષ્ણાતોની સલાહ બાદ તેને અનફિટ જાહેર કરવામાં આવ્યો છે. હર્ષિત રાણાની વિદાય ભારતીય ટીમ માટે મોટો ઝટકો મનાય છે કારણ કે તે છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં હતો.


ટીમ ઈન્ડિયાનું બદલાયેલું સમીકરણ

હર્ષિત રાણાના સ્થાને અનુભવી બોલર મોહમ્મદ સિરાજની ટીમમાં એન્ટ્રી થઈ છે. સિરાજે છેલ્લે જુલાઈ 2024માં ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, પરંતુ તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રમતા તેણે 5.81 ની ઇકોનોમીથી શાનદાર પ્રદર્શન કરીને પોતાની ફિટનેસ અને લય સાબિત કરી છે. હવે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહની સાથે સિરાજ ભારતની ઝડપી બોલિંગની જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે, ભારત ગ્રુપ A માં પાકિસ્તાન, અમેરિકા, નામિબિયા અને નેધરલેન્ડ્સ જેવી ટીમો સામે ટકરાશે. ઈજાગ્રસ્ત હર્ષિતના સ્થાને સિરાજનો અનુભવ ટીમ માટે કેટલો ફાયદાકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Sports News : પટિયાલાથી વિરાર સુધી જીતનો જશ્ન, વિહાન મલ્હોત્રા અને ઉદ્ધવ મોહનના પરિવારોમાં ખુશીની લહેર



  • Follow us on: