• નેપાળની ટીમ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ જીતી નથી

  • બાંગ્લાદેશના ચાર પોઇન્ટ છે તેનું આગામી રાઉન્ડમાં પહોંચવું લગભગ નક્કી
  • નેપાળે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સારો દેખાવ કર્યો હતો

બાંગ્લાદેશ પોતાના નબળા પાસાને કાબૂમાં રાખીને નેપાળ સામે સોમવારે અહીં રમાનારી ટી-20 વર્લ્ડ કપની ગ્રૂપ ડીની મેચમાં જીત મેળવીને સુપર આઠમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે મેદાનમાં ઊતરશે.

બાંગ્લાદેશના ચાર પોઇન્ટ છે અને તેનું આગામી રાઉન્ડમાં પહોંચવું લગભગ નક્કી છે પરંતુ તેણે નેપાળની ટીમ સામે સતર્ક રહેવું પડશે જેણે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સારો દેખાવ કર્યો હતો. નેપાળની ટીમ ભલે હજુ સુધી એકપણ મેચ જીતી શકી નથી અને તે સુપર આઠમાં સ્થાન બનાવવાની સ્પર્ધા બહાર ફેંકાઇ ગઇ છે પરંતુ જે પ્રકારે તે દક્ષિણ આફ્રિકા સામે અપસેટ કરવાની સ્થિતિમાં આવી ગઇ હતી તેને જોતા નેપાળના ખેલાડીઓના મનોબળમાં નિશ્ચિત રીતે જ વધારો થયો હશે.

બાંગ્લાદેશનો જો આ મેચમાં મોટા અંતરથી પરાજય થાય અને નેધરલેન્ડ્સની ટીમ શ્રીલંકા સામે મોટા અંતરે જીત મેળવી લે તો પછી ગ્રૂપ ડીના સમીકરણો બદલાઇ જશે. જોકે, આ વાતની સંભાવના એકદમ ઓછી લાગે છે પરંતુ આ વાત ભૂલવી ન જોઇએ કે આ ટૂર્નામેન્ટમાં કેટલાક ચોંકાવનારા પરિણામો પણ આવ્યા છે.


  • Follow us on: