• વહેલી સવારે બે એસોસિયેટ સભ્ય યુગાન્ડા અને પીએનજીની મેચ રમાશે

  • ઓલરાઉન્ડર અને સુકાની મિચેલ માર્શ ત્રીજા ક્રમે બેટિંગ કરશે પરંતુ તે બોલિંગ કરી શકશે નહીં
  • ઓમાનને નામિબિયા સામેની પ્રથમ મેચમાં પરાજયનો સામનો કરવો પડયો હતો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ(આઇસીસી ગદા) અને 50 ઓવર્સનો વર્લ્ડ કપ જીતી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 વર્લ્ડ કપમાં ગુરુવારે બાર્બાડોસ ખાતે ઓમાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે તેનો ટાર્ગેટ એક જ સમયમાં ત્રણેય વર્લ્ડ ટાઇટલ પોતાના નામે કરનાર પ્રથમ ટીમ બનવાનો રહેશે. આ મુકાબલો સવારે 6:00 વાગ્યે શરૂ થશે. 2021માં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ વખત ટાઇટલ જીતી હતી પરંતુ એક વર્ષ બાદ પોતાના ઘરઆંગણે રમાયેલી આ મેજર ઇવેન્ટમાં લીગ તબક્કાથી આગળ વધી શકી નહોતી. કાંગારુ ટીમમાં મેચવિનર્સની લાંબી યાદી છે. ઓલરાઉન્ડર અને સુકાની મિચેલ માર્શ ત્રીજા ક્રમે બેટિંગ કરશે પરંતુ તે બોલિંગ કરી શકશે નહીં. ટ્રેવિડ હેડ શાનદાર ફોર્મમાં છે અને તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તથા ગયા વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે ટીમે મેળવેલા વિજયમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. લેગ સ્પિનર એડમ ઝમ્પાની ભૂમિકા પણ મહત્ત્વની રહેશે. એસ્ટોન એગરને પણ તક મળે તેવી સંભાવના છે. મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડની અનુભવી પેસ ત્રિપુટી કોઈ પણ બેટિંગ લાઇનઅપને વિખેરી શકવાની ક્ષમતા ધરાવે છે. ઓમાનને નામિબિયા સામેની પ્રથમ મેચમાં પરાજયનો સામનો કરવો પડયો હતો પરંતુ બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને મેચ સુપર ઓવર સુધી ખેંચી હતી. ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવવા માટે તેણે ક્ષમતા કરતાં વધારે સારો દેખાવ કરવો પડશે.


  • Follow us on: