• ટી20 વર્લ્ડ કપ બાદ બંને સૌથી નાની ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ શકે છે

  • બંને ખેલાડીઓ ફાઇનલ દરમિયાન ભારતીય જર્સીમાં પોતાની છેલ્લી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમે તેવી સંભાવના
  • ભારત 2026માં ટી20 વર્લ્ડ કપની યજમાની કરશે ત્યારે રોહિત 39, કોહલી 38 વર્ષના થઇ જશે

ભારતીય ક્રિકેટનો પ્રત્યેક સમર્થક શનિવારે બાર્બાડોસ ખાતે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ બાદ સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલીની આંખો આંસુઓથી ભરાયેલી જોવા માગશે નહીં. આ સ્થિતિ સાત મહિના અને 10 દિવસ પહેલાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ બાદ જોવા મળી હતી.

પ્રત્યેક સમર્થક બંને મહાન ખેલાડીઓની સાથે મી. આધારભૂત તરીકે જાણીતા બનેલા કોચ રાહુલ દ્રવિડને રમતની સૌથી નાની ફોર્મેટમાંથી વિજયી વિદાય આપવા માગશે. બંને ખેલાડીઓ ફાઇનલ દરમિયાન ભારતીય જર્સીમાં પોતાની છેલ્લી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમે તેવી પૂરી સંભાવના છે. પસંદગીકારો હવે રોહિત, કોહલી અને જાડેજાને ટી20 ફોર્મેટમાં વધારે તક આપશે નહીં તે નિશ્ચિત છે. આગામી મહિને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીથી ભારત 2026ના ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને એક નવી શરૂઆત કરવા માગશે. માનવામાં આવી રહ્યું છે કે આઇપીએલ 2024 દરમિયાન RCBની મેચ અમદાવાદમાં હતી ત્યારે બોર્ડના સેક્રેટરી અને કોહલી વચ્ચે બંધબારણે લગભગ 30 મિનિટ જેટલી ચર્ચાવિચારણા થઇ હતી અને તે સમયે કોહલીને તેની ટી20 કારકિર્દી વર્લ્ડ કપ બાદ પૂરી થશે તેવો સંકેત પણ અપાયો હોય તેવી સંભાવના છે.

ભારત 2026માં ટી20 વર્લ્ડ કપની યજમાની કરશે ત્યારે રોહિત 39, કોહલી 38 વર્ષના થઇ જશે. ફાઇનલ પહેલાં કોઇ પણ આ બાબતની ચર્ચા કરતું નથી પરંતુ માનવામાં બંને ખેલાડીઓ નજીકના સમયમાં ટી20માથી નિવૃત્તિની જાહેરાત કરશે નહીં અને આઇપીએલનો હિસ્સો બની રહેશે. 2024ના ટી20 વર્લ્ડ કપને શ્રીલંકાએ જીત્યા બાદ કુમાર સંગાકારા અને મહેલા જયવર્દનેએ ટી20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તેવી રોહિત કે કોહલી કરશે કે નહીં તેની અટકળ કરવી મુશ્કેલ છે.

ફાઇનલમાં કોહલી મોટી ઇનિંગ રમશે : રાહુલ દ્રવિડ

હેડ કોચ તરીકે શનિવારે છેલ્લી વખત ટીમ સાથે રહેનાર રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના પ્રદર્શન અંગે જણાવ્યું હતું કે તે આક્રમકતા સાથે જોખમવાળું ક્રિકેટ રમે છે અને ઘણી વખત તે સફળ રહેતો નથી. તે મોટી ઇનિંગનો હકદાર છે જે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે તમને જોવા મળી શકે છે. પ્લેયર્સ તથા સમર્થકોએ રિલેક્સ રહેવાની જરૂર છે. જે મોમેન્ટ છે તેને તેમાં જ રહેવા દો, વધારે આગળનું વિચારવાની જરૂર નથી. માત્ર રણનીતિનો અમલ કરવાની જરૂર છે. ફાઇનલના દિવસે સારું ક્રિકેટ રમવાની જરૂર છે અને સફળતા આપોઆપ મળશે. સાઉથ આફ્રિકન ટીમ પણ શાનદાર છે. ટીમ રમતનો આનંદ માણે તેવું હું ઇચ્છું છું.

  • Follow us on: