- જયસ્વાલ, રિંકુ સિંહ તથા ખલીલ ટીમ સાથે રહેશે
- બંને ક્રિકેટર વતન પરત ફરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે તેવી સંભાવના
- યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કામાં પહોંચી ચૂકી છે. તમામ ક્રિકેટર્સ ઇજામુક્ત છે અને આ સ્થિતિમાં અમેરિકાની મેચોનો તબક્કો પૂરો થયા બાદ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને પેસ બોલર અવેશ ખાનને વતન પરત ફરવાની રિટર્ન ટિકિટ આપવામાં આવી છે. બંને ક્રિકેટર વતન પરત ફરીને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે તેવી સંભાવના છે.
ટીમ મેનેજમેન્ટે પોતાની પ્લેઇંગ ઇલેવન લગભગ પસંદ કરી લીધી હોવાનું આ મુખ્ય કારણ છે. યશસ્વી જયસ્વાલને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે પરંતુ કોહલી રોહિતની સાથે ઓપનિંગ કરી રહ્યો હોના કારણે તેને હજુ સુધી તક મળી નથી. આ સ્થિતિમાં ગિલને ટીમ સાથે રોકી રાખવાનો કોઇ મતલબ નથી. આ રીતે ભારતનો પેસ એટેક પણ એક્ટિવ છે અને તમામ બોલર્સ વિકેટ ઝડપી રહ્યા છે. મેનેજમેન્ટે અવેશ ખાનને પણ વતન પરત ફરવાનો આદેશ આપી દીધો છે. આ બંને ખેલાડીઓ ટીમ સાથે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ન્યૂયોર્ક ગયા હતા. આ બંને ખેલાડી ટીમ સાથે ચાર્ટર્ડ ફ્લાઇટથ ન્યૂયોર્કથી ફોર્ટ લોડરડેલ સુધી મુસાફરી કરતા નજરે પડયા હતા. રિંકુ સિંહ તથા ખલીલ એહમદ પણ ટ્રાવેલિંગ રિઝર્વ હોવા છતાં બંનેને ટીમ સાથે રોકી રાખવામાં આવ્યા છે. રોહિત કે કોહલી ઇજાગ્રસ્ત થાય તો જયસ્વાલ તેમનું સ્થાન લઇ શકે છે તેથી તેને પણ ટીમ સાથે રાખવામાં આવ્યો છે. સિરાજ, અર્શદીપ તથા બુમરાહમાંથી કોઇ ઇજાગ્રસ્ત થાય તો ખલીલને તક મળી શકે છે.










