- ભારત પાસે 17 વર્ષ બાદ ચેમ્પિયન બનવાની તક
- કેનેડા/USAની મેચ સવારે 6:00 વાગ્યાથી તથા વિન્ડીઝ/PNGની મેચ રાત્રે 8:00 વાગ્યે રમાશે
- લીગ સ્ટેજમાં પ્રત્યેક ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે
આઇસીસી ટી20 વર્લ્ડ કપનો ભારતીય ટાઇમ ઝોન પ્રમાણે રવિવારે વહેલી સવારે 6:00 વાગ્યાથી અમેરિકા અને કેનેડાના મુકાબલા સાથે પ્રારંભ થશે. બીજી તરફ રવિવારે સાંજે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ મેગા ઇવેન્ટમાં ડેબ્યૂ કરનાર પાપુઆ ન્યૂ ગિની સામે રમશે ત્યારે કેરેબિયન ટીમ પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે. વિન્ડીઝ અને પીએનજીનો મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 8:00 વાગ્યાથી રમાશે. ટૂર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લઈ રહી છે અને પાંચ-પાંચ ટીમના ચાર ગ્રૂપ કરવામાં આવ્યા છે. લીગ સ્ટેજમાં પ્રત્યેક ગ્રૂપની ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે. ભારતીય ટીમ 2007ની પ્રથમ સિઝનમાં ચેમ્પિયન હતી પરંતુ છેલ્લા 17 વર્ષથી ચેમ્પિયન બની શકી નથી. સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવવાની તમામ તક છે. 2014માં ભારતીય ટીમ ફાઇનલમાં તથા 2016 અને 2022ની સેમિફાઇનલમાં પહોંચી હતી.
ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે
ટી20 વર્લ્ડ કપની મેચો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાના નવ કેન્દ્રમાં રમાશે તેમાં છ વેન્યૂ વિન્ડીઝના તથા ત્રણ અમેરિકાના છે. ઇંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તેણે 2022માં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી. ભારતના ગ્રૂપમાં પરંપરાગત હરીફ પાકિસ્તાન, યજમાન અમેરિકા, આયરલેન્ડ તથા કેનેડા છે. પ્રત્યેક ટીમ ગ્રૂપ તબક્કામાં ચાર-ચાર મેચો રમશે. સુપર-8ના પ્રત્યેક ગ્રૂપની ટોચની ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ફાઇનલ મુકાબલો 29મી જૂને રમાશે.
કેનેડા સામે અમેરિકાનું પલડું ભારે રહેશે
ટી20 વર્લ્ડ કપના ઓપનિંગ મુકાબલામાં સંયુક્ત યજમાન અમેરિકાનું કેનેડા સામે પલડું ભારે રહેશે. કેનેડાએ ટૂર્નામેન્ટ પહેલાં બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણી 2-1થી જીતી હતી પરંતુ અમેરિકાએ કેનેડાને 4-0થી પરાજય આપ્યો હતો. બંને દેશ વચ્ચે કુલ સાત મુકાબલા રમાયા છે જેમાં અમેરિકાએ પાંચ તથા કેનેડાએ બે મુકાબલા જીત્યા છે. રેકોર્ડ સારો હોવા છતાં અમેરિકા કોઇ પણ રીતે કેનેડાને હળવાશથી લેશે નહીં. ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમ, ડલાસની પિચ બોલિંગ તથા બેટિંગ માટે સારી રહેશે. બીજા દાવમાં રનચેઝ કરવા આસાન રહેશે. ડોપ ઇન પિચોના કારણે બીજા દાવમાં પિચ સ્લો પડી જાય છે.
PNG સામે વિન્ડીઝ સામે ફેવરિટ રહેશે
વર્લ્ડ કપનો બીજો મુકાબલો વેસ્ટ ઇન્ડિઝ અને પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) વચ્ચે ગુયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. વિન્ડીઝ બે વખત ચેમ્પિયન બની ચૂકી છે. પીએનજી મેગા ઇવેન્ટમાં ડેબ્યૂ કરી રહી છે. વિન્ડીઝે વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ટી20 શ્રેણી 3-0થી જીતી હતી. વોર્મ-અપ મેચમાં ઓસ્ટ્રેલિયાને 35 રનથી પરાજય આપ્યો હતો. પીએનજીએ મલેશિયા સામે બે મેચની ટી20 શ્રેણી રહી હતી જે 1-1થી સરભર રહી હતી. બંને વોર્મ-અપ મેચમાં પીએનજીને પરાજયનો સામનો કરવો પડયો હતો. પિચ સ્પિનર્સ માટે સ્વર્ગસમી રહેશે. શરૂઆતમાં બોલને સારો બાઉન્સ તથા સ્વિંગ પણ મળશે.