• સાઉથ આફ્રિકા પ્રથમ અને ભારતીય ટીમ ત્રીજી વખત ફાઇનલ રમશે

  • વરસાદના કારણે રમત શક્ય ના બને તો રિઝર્વ-ડેના દિવસે મેચ રમાડવામાં આવશે
  • જો બંને દિવસ ધોવાઈ જાય તો જોઇન્ટ વિનર જાહેર કરાશે

આઇસીસી ટી20 વર્લ્ડ કપની બંને ફાઇનાલિસ્ટ ટીમ નક્કી થઈ ચૂકી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શનિવારે ફાઇનલ રમાશે. આફ્રિકન ટીમ પ્રથમ વખત ફાઇનલમાં રમશે. બીજી તરફ ભારત 10 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપની ફાઇનલ રમશે. બંને ટીમોએ ટૂર્નામેન્ટમાં રમેલી અત્યાર સુધીની તમામ મેચો જીતી છે.

આ મુકાબલા ભારતીય સ્પિનર્સ વિ. આફ્રિકન પેસ બોલર્સ વચ્ચેનો બની રહે તેવી પૂરી સંભાવના છે. બંને પ્રકારના આક્રમણ સામે બંને ટીમના બેટ્સમેનોની આકરી કસોટી થાય તેવી પૂરી સંભાવના છે. ફાઇનલ મુકાબલા ભારતીય સમય મુજબ શનિવારે સાંજે 8:00 વાગ્યાથી થશે. વરસાદના કારણે શનિવારે રમત શક્ય ના બને તો રવિવારે રિઝર્વ-ડેના દિવસે રમાડવામાં આવશે.

ભારત અને સાઉથ આફ્રિકા બંનેની તાકાત તેની બોલિંગ છે. સાઉથ આફ્રિકા પાસે કાગિસો રબાડા, એનરિચ નોર્તઝે તથા માર્કો જાનસેનના સ્વરૂપે ત્રણ મુખ્ય પેસ બોલર્સ છે. સ્પિન એટેકમાં તબરેઝ શમ્સી અને કેશવ મહારાજ ફોર્મમાં છે. ભારતીય ટીમ પાસે અર્શદીપસિંહ અને જસપ્રીત બુમરાહ જેવા પેસર્સ છે. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ બંને ટીમ વચ્ચેનો ફરક દર્શાવી શકે છે. રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા અને અક્ષર પટેલના સ્વરૂપે ત્રણ ઓલરાઉન્ડર છે.

બ્રિજટાઉનમાં પ્રથમ બેટિંગ કરનાર 19 વખત જીતી છે

બાર્બાડોસ ખાતે બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ ખાતે અત્યાર સુધી કુલ 32 મેચ રમાઈ છે જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 19 વખત તથા બીજી બેટિંગ કરનાર ટીમ 10 વખત જીતી છે. પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 153 રનનો રહ્યો છે. આ ગ્રાઉન્ડમાં સર્વાધિક સ્કોર 224 રનનો તથા લોએસ્ટ 80 રનનો રહ્યો છે. હાઇએસ્ટ રનચેઝ 172 રનના ટાર્ગેટનો થયો છે.

સુપર-8 સહિત વર્લ્ડ કપના આઠ મુકાબલા રમાયા છે

વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં ત્રણ સુપર-8ના મુકાબલા સહિત બ્રિજટાઉનમાં આઠ મેચો રમાઈ છે. એક મુકાબલો અનિર્ણીત રહ્યો હતો. સર્વાધિક સ્કોર ઓસ્ટ્રેલિયાના 201 રનનો રહ્યો હતો. સાત મેચમાંથી ચાર વખત ટોસ જીતનાર ટીમે વિજય હાંસલ કર્યો હતો. બાકીની ત્રણમાં ટોસ હારનાર ટીમને પણ સફળતા મળી છે જેમાં ભારતનો અફઘાનિસ્તાન સામેનો વિજય પણ સામેલ છે.

બુમરાહ-રબાડા વચ્ચે રોમાંચક રસાકસી થશે

બુમરાહનો દબદબો જળવાઈ રહ્યો છે : ભારતીય પેસ બોલર જસપ્રીત બુમરાહનો દબદબો સતત જળવાઈ રહ્યો છે અને તે બેટ્સમેનો માટે રન બનાવવાનું મુશ્કેલ બનાવી રહ્યો છે. તેણે ટૂર્નામેન્ટમાં 4.12ના ઇકોનોમી રેટ તથા 8.15ની એવરેજથી 13 વિકેટ પોતાના નામે કરી છે. 2022થી ટી20 ઇન્ટરનેશનલમાં બુમરાહનો ઇકોનોમી રેટ 5.45નો રહ્યો છે જે વિશ્વ ક્રિકેટમાં બીજો સર્વશ્રેષ્ઠ છે. બુમરાહે વર્લ્ડ કપમાં ત્રણ તબક્કામાં બોલિંગ કરી છે. પાવરપ્લેમાં તેણે 3.75ના ઇકોનોમી સાથે ચાર વિકેટ, 7થી 15 ઓવરની વચ્ચે ચારના ઇકોનોમી સાથે ત્રણ તથા અંતિમ પાંચ ઓવર્સમાં 4.65 ઇકોનોમી સાથે છ વિકેટ હાંસલ કરી છે.

રબાડાથી સ્પીડથી સાવચેત રહેવું પડશે: ભારતીય બેટ્સમેનોએ આફ્રિકન પેસ બોલર્સ કાગિસો રબાડાથી સાવચેત રહેવું પડશે. ભારતના ટોચના બેટ્સમેનો સામે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રબાડાએ રોહિતને 15 ઇનિંગ્સમાં ચાર વખત આઉટ કર્યો છે. આ દરમિયાન રોહિતનો સ્ટ્રાઇક રેટ 118.4નો તથા સરેરાશ 22.50ની રહી છે. કોહલીને પણ રબાડા 13 ઇનિંગ્સમાં ચાર વખત આઉટ કરી ચૂક્યો છે. રબાડા સામે કોહલીનો સ્ટ્રાઇક રેટ 106.3નો તથા સરેરાશ 12.75ની રહી છે. સૂર્યકુમાર યાદવે રબાડા સામે 185.3ના સ્ટ્રાઇક રેટ અને 42ની એવરેજથી રન બનાવ્યા છે પરંતુ રબાડા તેને 12 ઇનિંગ્સમાં ત્રણ આઉટ કરી ચૂક્યો છે.

બેટિંગમાં રોહિત અને સૂર્યકુમાર ઉપર મદાર

વર્લ્ડ કપમાં સુકાની રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે અને ટૂર્નામેન્ટમાં તે ત્રીજો હાઇએસ્ટ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે સાત મેચમાં 248 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે 92 તથા ઇંગ્લેન્ડ સામે 57 રનની ઇનિંગ રમી હતી. સૂર્યકુમારે કેટલીક મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. તેણે સાત મેચમાં 196 રન બનાવ્યા છે. વિરાટ કોહલી માટે ફાઇનલમાં મોટી ઇનિંગ રમવાનો સમય પાકી ગયો છે. આ ઉપરાંત રિષભ પંત અને શિવમ દૂબેએ પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપવું પડશે.

આફ્રિકન બેટ્સમેનોએ મુક્તમને ફટકાબાજી કરવી પડશે

ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકન બેટ્સમેનોએ ઘણી સ્લો બેટિંગ કરી છે. સુપર-8મા સ્થાન મેળવનાર ટીમોમાં જો રનની ગતિ જોવામાં આવે તો સાઉથ આફ્રિકા 6.81ના રનરેટ સાથે બીજી સૌથી ધીમી ટીમ છે. પાંચ ટોચના બેટ્સમેનોનો સ્ટ્રાઇક રેટ પણ ઘણો ઓછો છે. હેનરિક ક્લાસેન 112 તથા સુકાની માર્કરામ 102ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યા છે. ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ તથા રીઝા હેન્ડ્રિક્સે પણ રન બનાવવા માટે સંઘર્ષ કર્યો છે. પેસ બોલર બુમરાહના નેતૃત્વ હેઠળના ભારતીય બોલિંગ આક્રમણ સામે આફ્રિકન બેટ્સમેનો માટે રન બનાવવા આસાન રહેશે નહીં.

કુલદીપ અને અક્ષર પટેલ ટ્રમ્પ કાર્ડ બનશે

ભારતીય સ્પિનર કુલદીપ યાદવને વેસ્ટ ઇન્ડિઝ ખાતેના બીજા તબક્કામાં રમાડવામાં આવી રહ્યો છે. તેણે ચાર મેચમાં 10 વિકેટ ઝડપી છે જેમાં ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં ઝડપેલી ત્રણ વિકેટ પણ સામેલ છે. આફ્રિકન બેટ્સમેનો માટે તે મોટો ખતરો બની શકે છે. અક્ષર પટેલ બેટ અને બોલ બંને દ્વારા ઝળકી રહ્યો છે. તેણે સાત મેચમાં આઠ વિકેટ ઝડપી છે અને 23 રનમાં ત્રણ વિકેટ બેસ્ટ પ્રદર્શન રહ્યું છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પણ આઠ વિકેટ પોતાના નામે કરી છે.

  • Follow us on: