ક્રિકેટના મેદાનમાં આવા અનેક દ્રશ્યો જોવા મળે છે, જેને જોઈને ક્રિકેટપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલીક ટીમો ફોર અને સિક્સરનો વરસાદ કરતી જોવા મળ છે, તો કેટલીક ટીમો એક-એક રનની ઈચ્છા રાખે છે. આવું જ કંઈક મોંગોલિયન ટીમ સાથે થઈ રહ્યું છે. સોમવારે મલેશિયાના UKM ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી T20 વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં મંગોલિયાની ટીમ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે. રસપ્રદ વાત એ છે કે મલેશિયાની ટીમે આ મેચ માત્ર 13 બોલમાં જીતી લીધી હતી.


16 ઓવર સુધી બેટિંગ કરીને માત્ર 31 રન બનાવ્યા

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મંગોલિયાએ 16.1 ઓવરમાં માત્ર 31 રન બનાવ્યા હતા. ખાસ વાત એ છે કે ટીમના 6 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા. ટીમ તરફથી ઓપનર મોહન વિવેકાનંદને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 26 બોલમાં 8 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન 4થી વધુ રન બનાવી શક્યો નહોતો. રસપ્રદ વાત એ છે કે માત્ર એક જ મોંગોલિયન બેટ્સમેન ફોર ફટકારી શક્યો હતો. એન્ખબત બટખુયાગે 5 બોલમાં એક ફોર સાથે 4 રન બનાવ્યા હતા.

વિરનદીપ સિંહની શાનદાર બોલિંગ

મલેશિયા તરફથી વિરનદીપ સિંહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 5 રન આપ્યા અને 4 વિકેટ લીધી. તેમના સિવાય રિઝવાન હૈદર, પવનદીપ સિંહ, વિજય ઉન્ની, મોહમ્મદ આમિર અને સૈયદ અઝીઝે એક-એક વિકેટ લીધી હતી.

સૈયદ અઝીઝની વિસ્ફોટક બેટિંગ

મલેશિયાની બેટિંગની વાત કરીએ તો કેપ્ટન સૈયદ અઝીઝે શાનદાર બેટિંગ કરી હતી. 32 રનનો પીછો કરતી વખતે તેણે 11 બોલમાં 4 ફોર અને 2 સિક્સરની મદદથી 281.82ના સ્ટ્રાઈક રેટથી અણનમ 31 રન બનાવ્યા હતા. ઝુબેદે 3 રનનું યોગદાન આપ્યું હતું. આ હાર બાદ T20 વર્લ્ડકપ ક્વોલિફિકેશન માટેની મંગોલિયાની સફર ખતમ થઈ ગઈ હતી. મંગોલિયાને અગાઉ કુવૈત, હોંગકોંગ, મ્યાનમાર, સિંગાપોર અને માલદીવ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મોંગોલિયન ટીમ T20 વર્લ્ડકપ ક્વોલિફાયરમાં 6માંથી 6 મેચ હાર્યા બાદ 0 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને રહી હતી.


  • Follow us on: