- હાર્દિક પંડયાએ સતત એક કલાક બોલિંગ કરી
- બોલર્સે પણ બેટિંગ ઉપર વિશેષ ધ્યાન આપ્યું : મેચ સાંજે 8:00 વાગ્યાથી શરૂ થશે
- ન્યૂયોર્કમાં ભારતીય ટીમ શુક્રવારે લગભગ ત્રણ કલાક નેટ્સ ઉપર ગાળ્યા હતા
આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોએ પોતપોતાની પૂર્વતૈયારીઓ શરૂ કરી દીધી છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ શનિવારે બાંગ્લાદેશ સામે પોતાનો એકમાત્ર વોર્મ-અપ મુકાબલો રમશે. ન્યૂયોર્કમાં ભારતીય ટીમ શુક્રવારે લગભગ ત્રણ કલાક નેટ્સ ઉપર ગાળ્યા હતા. રોહિત શર્માએ બેટિંગ તથા રિષભ પંતે વિકેટકીપિંગ ઉપર ધ્યાન આપ્યું હતું. બોલર્સે પણ લાંબા સમય સુધી બેટિંગ કરી હતી. ટીમે પ્રથમ કલાકમાં કેચિંગ સહિત ફિલ્ડિંગ ઉપર વિવિધ ડ્રિલ્સ કરી હતી. નેટ્સ ઉપર સૂર્યકુમારને લાંબો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ યુજવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહને બેટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. બંને બોલર્સે લાંબા સમય સુધી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. સુકાની રોહિત અને કોચ દ્રવિડ ભારતની બેટિંગને વધારે મજબૂત કરવા માટે કોઈ કસર બાકી રાખવા માગતા નથી.
ન્યૂયોર્કમાં ડ્રોપ ઇન પિચોના કારણે બોલને એક્સ્ટ્રા બાઉન્સ મળે તેવી પૂરી સંભાવના છે. રોહિતે પ્રેક્ટિસ સેશનમાં મોટો ભાગે પેસ બોલર્સનો સામનો કર્યો હતો. તેણે અવેશ ખાન, શિવમ દૂબે, ખલીલ એહમદની બોલિંગમાં વિવિધ શોટ્સ રમ્યા હતા. જોકે રવીન્દ્ર જાડેજા અને ચહલના પણ કેટલાક બોલનો રોહિત સામનો કર્યો હતો. હાર્દિક પંડયાએ બેટિંગ કોચ વિક્રમ રાઠોર સાથે લાંબો સમય પસાર કર્યો હતો. હાર્દિકે લગભગ એક કલાક સુધી બોલિંગ કરી હતી. ઓપનર જયસ્વાલે પુલ અને કવર ડ્રાઇવ ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. અક્ષર પટેલ, શુભમન ગિલ અને જાડેજાએ પણ બેટિંગ કરીને પોતાની તૈયારીઓને અંતિમ ઓપ આપ્યો હતો.










