• 2028ની લોસ એન્જલસ ગેમ્સમાં મેડલની કોઈ ગેરંટી નહીં હોવાથી અર્ચનાએ કપરો નિર્ણય લીધો

  • ખેલાડીઓ માટે ટેબલટેનિસની રમત આવકનું પ્લેટફોર્મ બનવાથી ઘણી દૂર છે
  • ખેલાડી ટેબલટેનિસમાંથી નિવૃત્તિ લઈને અભ્યાસ માટે અમેરિકા જશે

ભારતની સ્ટાર મહિલા ટેબલટેનિસ ખેલાડી અર્ચના કામથે તાજેતરમાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને હવે 24 વર્ષીય ખેલાડીએ ટેબલટેનિસમાંથી નિવૃત્તિ લઈને અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે તે અમેરિકા જશે. આ ઘટના ચકિત કરે તેવી છે

કારણ કે અર્ચનાએ પેરિસ ગેમ્સમાં વિમેન્સ ટીમ સાથે ઇતિહાસ રચ્યો હતો. ભારતની વિમેન્સ ટેબલટેનિસ ટીમ ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. ભારતનો જર્મની સામે 1-3થી પરાજય થયો હતો અને અર્ચના એકમાત્ર ખેલાડી હતી જેણે એક મેચ જીતી હતી. 2028ની લોસ એન્જલસ ગેમ્સમાં મેડલની કોઈ ગેરંટી નહીં હોવાના કારણે યુવા પેડલર અર્ચનાએ પ્રોફેશનલ રીતે ટેબલટેનિસમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.

ઓલિમ્પિક માટે અર્ચનાની પસંદગીએ ઘણો વિવાદ સર્જ્યો હતો પરંતુ તેણે વિવાદના બદલે પોતાની રમત ઉપર ધ્યાન આપ્યું હતું અને સારો દેખાવ કર્યો હતો. અર્ચનાને ટીઓપી, ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ તથા અન્ય સ્પોન્સર્સનું સમર્થન છે પરંતુ તે પૂરતું નથી. ઓલિમ્પિકમાં એક વિજય મેળવ્યો હોવા છતાં તેણે સ્ટડી ઉપર ધ્યાન આપવાનો નિર્ણય કર્યો છે. તેણે જણાવ્યું હતું કે મારો ભાઈ નાસામાં કામ કરે છે અને તે મારો આદર્શ છે. તે મને સ્ટડી કરવા માટે સતત પ્રોત્સાહન આપી રહ્યો છે. હવે હું મારા અભ્યાસ માટે વધારે સમય ફાળવી શકીશ.

ટેબલટેનિસ હજુ આવકનું સાધન બની નથી

હાઇટેક સાધનો તથા કોચિંગના મામલે ટેબલટેનિસના ખેલાડીઓને તમામ સુવિધાઓ મળી રહી છે. અર્ચનાના કોચ ગર્ગનું માનવું છે કે ટેબલટેનિસ હજુ પણ ખેલાડીઓ માટે આવકનું પ્લેટફોર્મ બનવાથી ઘણી દૂર છે. આ કારણથી અર્ચનાનો નિર્ણય સમજી શકાય છે. ટોચના ખેલાડીઓને સામાન્ય રીતે કોઈ સમસ્યા રહેતી નથી કારણ કે તેમને ઘણું સમર્થન મળે છે પરંતુ યુવા ખેલાડીનું કોઈ મદદ મળતી નથી. યુવાઓને ટ્રેનિંગ માટે પણ નાણાં ખર્ચવા પડે છે. રમત હવે ખર્ચાળ બની રહી હોવાથી અર્ચનાનો નિર્ણય યોગ્ય હશે તેવું મારું માનવું છે. પેરિસ ગેમ્સ બાદ અર્ચનાએ અચાનક લીધેલા કપરા નિર્ણયથી ટેબલટેનિસ જેવી રમતોમાં નાણાકીય સ્થિરતા ચિંતાનો વિષય છે.

  • Follow us on: