- તમીમ ઈકબાલે વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશના ફેન્સને મોટો ઝટકો આપ્યો
- બાંગ્લાદેશની ODI ટીમના કેપ્ટન તમીમ ઈકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
- તમીમે હાલમાં જ અફઘાનિસ્તાન સામેની વનડે મેચમાં હાર બાદ આ નિર્ણય લીધો
બાંગ્લાદેશની ODI ટીમના કેપ્ટન તમીમ ઈકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે 2023 વર્લ્ડ કપ પહેલા આ નિર્ણય લઈને બાંગ્લાદેશના ફેન્સને મોટો ઝટકો આપ્યો હતો. તમીમે હાલમાં જ અફઘાનિસ્તાન સામેની વનડે મેચમાં હાર બાદ આ નિર્ણય લીધો હતો. તમીમે પ્રેસ કોન્ફરન્સમાં આ સમાચાર આપ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે એટલો ભાવુક થઈ ગયો કે તે પોતાની જાતને રડતા રોકી શક્યો નહીં.
તમીમે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તે ખૂબ જ ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો. તમીમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, તમીમે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “આ અચાનક લેવાયેલો નિર્ણય નથી. હું આ અંગે પરિવાર સાથે વાત કરી રહ્યો હતો. હું મારા પિતાનું સપનું પૂરું કરવા માટે રમી રહ્યો હતો. મારી પાસે વધુ કંઈ કહેવા માટે નથી. હું એક વાત કહેવા માગુ છું કે મેં હંમેશા મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. કદાચ હું પૂરતો સારો ન હતો પણ હંમેશા 100 ટકા આપ્યું છે.
તમીમ બાંગ્લાદેશના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. ટીમ માટે સૌથી વધુ ODI રન બનાવવાના મામલે તે ટોપ પર છે. તમીમ અત્યાર સુધી રમાયેલી 239 વનડે ઇનિંગ્સમાં 8313 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 14 સદી અને 56 અડધી સદી ફટકારી હતી. તમીમનો શ્રેષ્ઠ ODI સ્કોર 158 રન છે. મુશ્ફિકુર રહીમ આ મામલે બીજા નંબર પર છે. રહીમે 7188 ODI રન બનાવ્યા છે.