• 230 રનના લક્ષ્યાંક સામે ભારતીય બોલિંગ સામે ઇંગ્લેન્ડે શરણાગતિ સ્વીકારી

  • ઇંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપમાં સતત પાંચ મેચમાં પરાજિત થવાનો રેકોર્ડ નોંધાવ્યો
  • જીત સાથે ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઇ

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ટીમ ઇન્ડિયાએ ગત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 100 રને ભૂંડો પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની સતત છઠ્ઠી જીત મેળવી હતી. લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઇંગ્લીશ સુકાની જોસ બટલરે પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલી બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં નવ વિકેટના ભોગે 229 રન બનાવ્યા હતા. બેટિંગ માટે જરા મુશ્કેલ વિકેટ પર ભારતીય બેટિંગ લાઇનઅપ સારો દેખાવ કરવામાં સફળ રહી નહોતી. ટીમ ઇન્ડિયા વતી સુકાની રોહિત શર્મા (87) અને સૂર્યકુમાર યાદવ (49) જ સારો દેખાવ કરી શક્યા હતા. જોકે, આટલા નાના સ્કોરને જોતા મજબૂત બેટિંગ લાઇન ધરાવતી ઇંગ્લેન્ડ ટીમ સરળતાથી ટાર્ગેટ પ્રાપ્ત કરી લે તેમ જણાતું હતું પરંતુ ટીમ ઇન્ડિયાના ઝડ.પી બોલર્સ અને સ્પિનર્સે ઇંગ્લીશ બેટ્સમેનોને છૂટથી રમવા દીધા નહોતા અને પોતાની ચુસ્ત લાઇન-લેન્થ સાથેની બોલિંગ વડે હરીફ ટીમને 129 રનમાં જ પેવેલિયન ભેગી કરી દઇને જીત મેળવી હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટમાં પોતાની સતત છઠ્ઠી જીત મેળવી હતી અને સાથે જ ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઇ હતી. ટીમ ઇન્ડિયા સાથે જ સેમી ફાઇનલમાં સ્થાન મેળવવાની એકદમ નજીક પહંચી ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડ ટીમ ટૂર્નામેન્ટની બહાર ફેંકાવાની નજીક છે. ભારત વતી મોહમ્મદ શમીએ ચાર, જસપ્રીત બુમરાહે ત્રણ, કુલદીપ યાદવે બે અને રવીન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. આ પરાજયની સાથે જ વર્લ્ડ કપના ઇતિહાસમાં ઇંગ્લેન્ડે વધુ એક શરમજનક રેકોર્ડ કર્યો છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલીવાર વર્લ્ડકપમાં સતત પાંચ મેચ હારી છે. જ્યારે ભારત માત્ર બીજી વાર પોતાની પહેલી છ મેચો જીત્યું છે. આ પહેલા 2015માં ભારત પોતાની પહેલી છ મેચ જીત્યું હતું. રોહિત શર્માને શાનદાર ઇનિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. 40 રન સુધીમાં ભારતીય ટીમે પોતાની ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી. શુભમન ગિલ નવ રન પર, વિરાટ કોહલી ખાતું ખોલ્યા વિના જ્યારે શ્રેયસ ઐયર ચાર રન બનાવીને આઉટ થયો હતો. વર્લ્ડ કપના ઇતિહાસમાં વિરાટ કોહલી પહેલીવાર ખાતું ખોલાવી શક્યો નહોતો. જ્યારે શ્રેયસ ઐયરે ફરી એકવાર શોર્ટ પિચ બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સુકાની રોહિત શર્માએ કેએલ રાહુલ સાથે મળીને ચોથી વિકેટ માટે 91 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. રાહુલ 58 બોલમાં ત્રણ બાઉન્ડ્રીની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. તે દરમિયાન રોહિત શર્માએ પોતાની વનડે કેરિયરની 54મી અર્ધસદી પૂરી કરી હતી. ત્યારબાદ રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે મળીને પાંચમી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી. ટીમ ઇન્ડિયાનો હિટમેન શર્મા પોતાની સદીથી માત્ર 13 રન દૂર હતો ત્યારે તે લાંબો શોટ રમવા જતા રાશિદની બોલિંગમાં બાઉન્ડ્રી પર ઝિલાયો હતો. તેમે 101 બોલમાં 87 રન ફટકાર્યા હતા. જેમાં 10 બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર સામેલ હતી. તે બાદ જાડેજા આઠ રને આઉટ થયો હતો. અંતમાં સૂર્યકુમાર યાદવે કેટલાક સારા શોટ્સ માર્યા હતા અને ભારતનો સ્કોર 200ને પાર પહોંચાડયો હતો. તે 47 બોલમાં 49 રને આઉટ થયો હતો. શમી એક રને આઉટ થયો હતો જ્યારે જસપ્રીત બુમરાહ એન કુલદીપ યાદવે નવમી વિકેટ માટે 21 રનની ભાગીદારી કરી હતી. બુમરાહ ઇનિંગના છેલ્લા બોલે રન આઉટ થયો હતો. તે 16 રન બનાવી શક્યો હતો. ઇંગ્લેન્ડ વતી વિલીએ સૌથી વધારે ત્રણ વિકેટ ખેરવી હતી જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને બે-બે વિકેટ મલી હતી. માર્ક વુડને એક વિકેટ મળી હતી. આમ ભારતે 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 229 રન બનાવી ઇંગ્લેન્ડ સામે 230 રનનું લક્ષ્ય મુક્યુ હતું.

જો રૂટ વર્લ્ડ કપમાં પહેલીવાર ઝીરોમાં આઉટ

જો રૂટ પહેલા જ બોલે બુમરાહનો શિકાર બનવા સાથે એક શરમજનક રેકોર્ડ પણ તેના નામે થયો હતો. રૂટ પહેલીવાર વર્લ્ડ કપમાં શૂન્ય રને આઉટ થયો. દરમિયાન, રૂટ આ વર્લ્ડ કપમાં સતત ત્રીજી મેચમાં લાંબી ઇનીંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. શરૂની બે ઇનીંગ્સ (અનુક્રમે 87 અને 77 રન)ને બાદ કરતા તે નોંધપાત્ર દેખાવ કરી શક્યો નથી. 2019ના વર્લ્ડ કપ બાદ રૂટે પાવરપ્લે દરમિયાન 18 ઇનીંગ્સમાં 4.54ની એવરેજથી માત્ર 50 રન કર્યા છે અને આ દરમિયાન 11 વખત તે આઉટ થયો છે. નોંધનીય છે કે આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ ઘણા ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહી છે. તે ભારત ઉપરાંત શ્રીલંકા અને અફઘાનિસ્તાન સહિતની ટીમો સામે હારીને પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા ક્રમે છે. ઇંગ્લેન્ડની ટીમના જો રૂટ ઉપરાંત બેયરસ્ટો, બટલર અને સ્ટોક્સ જેવા ખેલાડીઓ પણ ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે.


  • Follow us on: