ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની T20 સિરીઝની બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે. સિરીઝમાં 1-0થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ બીજી મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. રિપોર્ટ અનુસાર સ્ટાર ખેલાડીનું પત્તુ કપાઈ શકે છે.


ઓપનિંગ જોડી આવી હોઈ શકે

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ટીમ મેનેજમેન્ટે ઓપનર તરીકે સંજુ સેમસન અને અભિષેક શર્માને તક આપી હતી. સંજુ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે 29 રનની ઇનિંગ રમી હતી, જ્યારે અભિષેક શર્મા રનઆઉટ થયો હતો. આવી સ્થિતિમાં ઓપનિંગ જોડી બદલવાની શક્યતા ઓછી છે.

મિડલ ઓર્ડરમાં થઈ શકે છે ફેરફાર

સૂર્યકુમાર યાદવ નંબર 3 પર ચાર્જ સંભાળી શકે છે, જ્યારે ચોથા સ્થાને બેટિંગ કરી રહેલા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પોતાનું સ્થાન ગુમાવી શકે છે. તેમના સ્થાને તિલક વર્માને તક મળવાની આશા છે. શિવમ દુબેની જગ્યાએ તિલકને ટીમમાં તક મળી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, રિયાન પરાગ અને વોશિંગ્ટન સુંદર લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યાએ પ્રથમ મેચમાં જોરદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 16 બોલમાં 39 રન બનાવ્યા હતા.

બોલિંગમાં કોને મળશે તક

સ્પિન બોલિંગ વિભાગની જવાબદારી વરુણ ચક્રવર્તી અને સુંદર પર રહેશે. વરુણે પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ અને મયંક યાદવ ફાસ્ટ બોલર તરીકે ચાર્જ સંભાળશે. તેના સિવાય હાર્દિક પંડ્યા પણ મહત્વના રોલમાં જોવા મળી શકે છે. મયંકે પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરીને 1 વિકેટ લીધી હતી જ્યારે અર્શદીપે 3 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન

સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.

  • Follow us on: