અમેરિકાની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન કોકો ગોફે પોલેન્ડની ઇગા સ્વિયાતેકને હરાવીને રિયાદ ખાતે રમાતી વર્ષની છેલ્લી મેજર ટેનિસ ટૂર્નામેન્ટ ડબ્લ્યૂટીએ ફાઇનલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 20 વર્ષીય ગોફે સ્વિયાતેક સામેની છેલ્લી 12માંથી 11 મેચ ગુમાવી છે. તેણે છેલ્લે ગયા વર્ષે સિનસિનાટી ઓપનમાં સ્વિયાતેકને હરાવી હતી.
ફાઇનલ્સના રાઉન્ડ રોબિન મુકાબલામાં તેનો સ્વિયાતેક સામે 6-3, 6-4થી વિજય થયો હતો. તેણે છેલ્લી બંને મેચમાં સીધા સેટમાં વિજય હાંસલ કર્યા છે. મેચમાં 11 ડબલ ફોલ્ટ કરનાર અમેરિકન ખેલાડીએ મેચ જીતવા માટે એક કલાક 48 મિનિટનો સમય લીધો હતો.










