- આર્યના સબાલેન્કોએ જેસિકા પેગુલાને 6-3, 7-5થી હરાવી
- સબાલેન્કોએ કારકિર્દીનું 15મું ડબ્લ્યૂટીએ ટાઇટલ જીત્યું
- સિનર 2008 બાદ ટ્રોફી જીતનાર યંગેસ્ટ ખેલાડી બન્યો
મેન્સ સિંગલ્સમાં ટોચનો ક્રમાંક ધરાવતા જાનિક સિનર અને બીજી ક્રમાંકિત મહિલા ખેલાડી આર્યના સબાલેન્કોઅ પોતપોતાની ફાઇનલ જીતીને સિનસિનાટી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા હતા. યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની પૂર્વતૈયારી તરીકે ગણાતી આ ટૂર્નામેન્ટમાં સિનર અને સબાલેન્કો પ્રથમ વખત ચેમ્પિયન બન્યા છે.
વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં સબાલેન્કોએ જેસિકા પેગુલાને સીધા સેટમાં 6-3, 7-5થી હરાવીને ચાલુ વર્ષના જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ જીત્યા બાદ આ ત્રીજું ટાઇટલ જીત્યું છે.23મી ઓગસ્ટે પોતાનો 23મો જન્મદિવસ મનાવનાર સનિરે અમેરિકન ખેલાડી ફ્રાન્સિસ ટિયાફોઇને 7-6 (4), 6-2થી હરાવ્યો હતો. તે 2008માં એન્ડી મરેના ટાઇટલ જીત્યા બાદ સિનસિનાટીમાં ચેમ્પિયન બનનાર યંગેસ્ટ પ્લેયર બન્યો છે. સિનસિનાટીમાં ટિયાફોઈ તથા સિનર કારકિર્દીમાં પ્રથમ વખત ફાઇનલ રમ્યા હતા. બંનેનું છેલ્લું બેસ્ટ પ્રદર્શન ત્રીજા રાઉન્ડ સુધી પહોંચવાનું હતું. નોંધનીય છે કે મેન્સ સિંગલ્સમાં 2006 બાદ એક પણ અમેરિકન ખેલાડી સિનસિનાટીમાં ચેમ્પિયન બન્યો નથી. છેલ્લે એન્ડી રોડ્ડિકે આ ટૂર્નોમન્ટ જીતી હતી. પૂરી ટૂર્નામેન્ટમાં એક પણ સેટ નહીં ગુમાવનાર બેલારુસની સબાલેન્કોએ કારકિર્દીમાં 15મું ડબ્લ્યૂટીએ ટાઇટલ જીત્યું છે. વિમેન્સ સિંગલ્સની ફાઇનલ એક કલાક 14 મિનિટ સુધી રમાઈ હતી.










