• ભારતના સિંગલ્સ ટેનિસ પ્લેયરને પાંચ ક્રમાંકનો ફાયદો થયો

  • છેલ્લા કેટલાક સમયના શાનદાર પરિણામના કારણે નાગલના રેન્કિંગમાં સતત સુધારો
  • નાગલ પેરિસ ઓલિમ્પિકની મેન્સ સિંગલ્સ માટે પણ ક્વોલિફાય થવામાં સફળ

ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ચૂકેલા સુમિત નાગલે એટીપી ટેનિસ સિંગલ્સ રેન્કિંગમાં કારકિર્દીનું બેસ્ટ 68મો ક્રમાંક હાંસલ કર્યો છે. 26 વર્ષીય નાગલે પાંચ ક્રમાંકનો ફાયદો થયો છે. તેનું છેલ્લું રેન્કિંગ 71 ક્રમાંકનું હતું.

નાગલ વિશ્વના 71મા ક્રમાંકિત ભૂતપૂર્વ ખેલાડી શશિ મેનને પાછળ રાખીને 1973થી સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા ભારતીય ખેલાડીઓની યાદીમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. વિજય અમૃતરાજ (1980માં 18મા ક્રમે), રમેશ કૃષ્ણન (1985માં 23મા ક્રમાંકે) તથા સોમદેવ દેવબર્મન (2011માં 62મો ક્રમાંક) એટીપી સર્કિટમાં નાગલ કરતાં વધારે સારો રેન્કિંગ હાંસલ કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયના શાનદાર પરિણામના કારણે નાગલના રેન્કિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે અને તે પેરિસ ઓલિમ્પિકની મેન્સ સિંગલ્સ માટે પણ ક્વોલિફાય થવામાં સફળ રહ્યો છે.

પેરિસ ગેમ્સની મેન્સ સિંગલ્સમાં સ્થાન મેળવનાર નાગલ એકમાત્ર ભારતીય છે અને તેના 779 એટીપી પોઇન્ટ છે. નાગલે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન તથા વિમ્બલ્ડન એમ ત્રણ ગ્રાન્ડસ્લેમના મુખ્ય ડ્રોમાં પણ પ્રવેશ કર્યો હતો. નાગલે જૂન મહિનામાં હિલબ્રોન નેકરકપ ચેલેન્જર્સ ઇવેન્ટ તથા ફેબ્રુઆરીમાં ચેન્નઇ ઓપનની મેન્સ સિંગલ્સનુનં ટાઇટલ જીત્યું હતું. નાગલે 2023થી અત્યાર સુધીમાં ચાર એટીપી ચેલેન્જર્સ ટાઇટલ જીત્યા છે.


  • Follow us on: