- ભારતીય ખેલાડીનો બે કલાક 38 મિનિટના સંઘર્ષ બાદ પરાજય થયો
- મેન્સ સિંગલ્સના મુખ્ય ડ્રોમાં પ્રથમ વખત રમનાર નાગલનો બે કલાક 38 મિનિટના સંઘર્ષ બાદ પરાજય
- 72મો ક્રમાંક ધરાવતા નાગલે મેચમાં 47 વિનર્સ પણ ફટકાર્યા હતા
ભારતનો સિંગલ્સ ખેલાડી સુમિત નાગલ 44 અનફોર્સ એરર અને વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં સર્બિયાના મિયોમીર કેકમાનોવિચ સામે ચાર સેટ હાર્યા બાદ ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાતા ટેનિસ ગ્રાઉન્ડની બહાર થઈ ગયો છે.
મેન્સ સિંગલ્સના મુખ્ય ડ્રોમાં પ્રથમ વખત રમનાર નાગલનો બે કલાક 38 મિનિટના સંઘર્ષ બાદ 2-6, 6-3, 3-6, 4-6થી પરાજય થયો હતો. વિશ્વના 53મા ક્રમાંકિત સર્બિયન ખેલાડી સામે નાગલે બીજો સેટ જીત્યો હતો. 72મો ક્રમાંક ધરાવતા નાગલે મેચમાં 47 વિનર્સ પણ ફટકાર્યા હતા. તે કેકમાનોવિચના 122ની સામે 104 પોઇન્ટ જ હાંસલ કરી શક્યો હતો. સર્બિયન ખેલાડીએ છ એસ ફટકારવા ઉપરાંત બે ડબલ ફોલ્ટ કર્યા હતા. નાગલ સામે તેનો આ સતત બીજો વિજય પણ રહ્યો છે. ચાર વર્ષ પહેલાં તેણે જર્મની ખાતેની કોલોન ઓપન એટીપી 250 ઇવેન્ટમાં પણ નાગલને તેણે હરાવ્યો હતો. પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકેલો નાગલ પાંચ વર્ષમાં વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય છે. પ્રજનેશ ગુણેશ્વરન 2019ના ગ્રાન્ડસ્લેમના પ્રથમ રાઉન્ડમાં હારી ગયો હતો. તે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. નાગલે એટીપી ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સ તથા મોન્ટે કાર્લો માસ્ટર્સના મુખ્ય ડ્રો માટે પણ ક્વોલિફાય કર્યું હતું.










