• 22 માર્ચથી IPL 2024 શરૂ થવા જઈ રહી છે
  • IPLની 17મી સિઝન પણ ખાસ હશે
  • તમામ ખેલાડીઓ આગામી વર્લ્ડકપ પહેલા સારી લય હાંસલ કરવા ઈચ્છશે

IPL 2024 થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. 22 માર્ચથી ફરી એકવાર 10 ટીમો ટ્રોફી જીતવા તરફ આગળ વધવા માંગશે. IPLની 17મી સિઝન પણ ખાસ હશે કારણ કે T20 વર્લ્ડકપ તેના સમાપ્ત થયાના થોડા દિવસો બાદ શરૂ થશે. તમામ ખેલાડીઓ આગામી વર્લ્ડકપ પહેલા સારી લય હાંસલ કરવા ઈચ્છે છે. કેટલાક ભારતીય ખેલાડીઓ એવા છે જે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડકપની ટીમમાં સ્થાન મેળવવાનો પોતાનો દાવો મજબૂત કરી શકે છે.

વિરાટ કોહલી

T20 વર્લ્ડકપ 2024ની વાત કરીએ તો એ વાત પહેલાથી જ કન્ફર્મ થઈ ગઈ છે કે રોહિત શર્મા ભારતીય ટીમની કપ્તાની સંભાળશે, પરંતુ વિરાટ કોહલીને ટીમમાંથી બહાર રાખવાની અફવાઓ જોર પકડી રહી છે. વિરાટને ટીમની બહાર રાખવાના સમાચાર પર ઘણા દિગ્ગજોએ નારાજગી વ્યક્ત કરી છે. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીમાં 117 મેચોમાં 51.76ની શ્રેષ્ઠ સરેરાશથી 4,037 રન બનાવ્યા છે, તેમ છતાં તેને વર્લ્ડકપની ટીમમાં સામેલ ન કરવાના અહેવાલો છે. હવે કોહલી IPL 2024માં RCBની ટીમમાં વાપસી કરશે, જ્યાં જો તે શાનદાર પ્રદર્શન કરશે તો પસંદગીકારો પાસે તેને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. આ દૃષ્ટિકોણથી, તેમણે આગામી IPL સિઝનમાં દરેક પરિસ્થિતિમાં સારો દેખાવ કરવો પડશે.

રિષભ પંત

રિષભ પંત ડિસેમ્બર 2022માં કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. 14 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ રિષભ IPL 2024માં મેદાન પર પરત ફરશે અને BCCIએ પણ તેની ફિટનેસની પુષ્ટિ કરી છે. ટી20 મેચોની વાત કરીએ તો ભારતે પંતની ગેરહાજરીમાં જીતેશ શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશનને વિકેટકીપર તરીકે તક આપી છે, પરંતુ તેમાંથી કોઈ પણ ભારતીય ટી20 ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યું નથી. પંત દિલ્હી કેપિટલ્સના સુકાની તરીકે પરત ફરશે અને આ લીગમાં સારો દેખાવ તેને તરત જ ટી20 વર્લ્ડકપ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સ્થાન અપાવી શકે છે.

કેએલ રાહુલ

KL રાહુલને ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે સીરિઝની બાકીની 4 મેચમાંથી બહાર થઈ ગયો હતો. એવી અફવાઓ છે કે રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ માટે પ્રારંભિક કેટલીક મેચો ચૂકી શકે છે, પરંતુ T20 વર્લ્ડકપમાં તેનું સ્થાન ત્યારે જ નિશ્ચિત થશે જ્યારે તે સંપૂર્ણ રીતે ફિટ થશે. એ પણ ચિંતાની વાત છે કે રાહુલની છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચ 2022માં આવી હતી, જેમાં તે 5 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ ઈજાના કારણે લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. ઈજાના કારણે રાહુલે ગત સિઝનમાં આઈપીએલ અધવચ્ચે જ છોડી દીધી હતી. આવી સ્થિતિમાં, જો તેને ટી-20 ફોર્મેટ માટે ભારતીય ટીમમાં વાપસી કરવી છે, તો તેના માટે આઈપીએલ 2024માં સારો દેખાવ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રાહુલે અત્યાર સુધી તેની IPL કરિયરમાં 118 મેચ રમીને 4,163 રન બનાવ્યા છે.

શ્રેયસ ઐયર

શ્રેયસ ઐયર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ચર્ચાનું કારણ બની રહ્યો છે અને તેને સ્થાનિક ક્રિકેટ ન રમવાના કારણે BCCI દ્વારા કેન્દ્રીય કરારની યાદીમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે તેણે રણજી ટ્રોફી 2023-2024ની ફાઈનલમાં મુંબઈ માટે બીજી ઈનિંગમાં 95 રનની મહત્વની ઈનિંગ રમી હતી, પરંતુ પીઠની ઈજા ફરી એકવાર તેના પર અસર કરવા લાગી છે. એક તરફ ઈજા તેના માટે ચિંતાનો વિષય છે તો બીજી તરફ ટીમ મેનેજમેન્ટને ખુશ કરવું પણ તેની પ્રાથમિકતાઓમાંની એક હશે. જો તે ઈજામાંથી સાજો થઈ શકે છે અને KKRના કેપ્ટન તરીકે અને વ્યક્તિગત રીતે IPL 2024માં પણ સારું પ્રદર્શન કરી શકે છે, તો તે T20 વર્લ્ડકપમાં સ્થાન મેળવવા માટે પોતાનો દાવો મજબૂત કરી શકે છે.

અર્શદીપ સિંહ

ભારતીય ટીમમાં વર્લ્ડ ક્લાસ બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર પણ છે, પરંતુ ડાબોડી ફાસ્ટ બોલર ભારતીય ટીમને મજબૂત બનાવી શકે છે. T20 વર્લ્ડકપની ટીમમાં તેની પસંદગી થવાની શક્યતાઓ જોર પકડી રહી છે, પરંતુ T20 મેચોમાં તેનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું નથી. અર્શદીપે IPL 2023માં 14 મેચ રમીને 17 વિકેટ લીધી હતી, પરંતુ આગામી IPLમાં તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે કારણ કે તેણે T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન માટે પોતાનો દાવો મજબૂત કરવાનો છે. જો તે પંજાબ કિંગ્સ માટે સારો દેખાવ કરી શકશે તો તે ભારતીય ટીમમાં પણ જગ્યા બનાવી શકશે.

  • Follow us on: