• ભારત અને કુવૈત વચ્ચેની મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ
  • ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીની આ છેલ્લી મેચ હતી
  • સાથી ખેલાડીઓએ છેત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કર્યું

ફિફા વર્લ્ડકપ 2026 ક્વોલિફાયર મેચમાં ભારત અને કુવૈત વચ્ચેની મેચ 0-0થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાઈ હતી અને ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીની કારકિર્દીની આ છેલ્લી મેચ હતી. અંતિમ-18 સ્ટેજમાં જવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી હતી. ભારત હજુ આગળના તબક્કામાં જઈ શકે છે, પરંતુ તેણે અન્ય મેચો પર નિર્ભર રહેવું પડશે. મેચ ખતમ થયા બાદ સાથી ખેલાડીઓએ છેત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન આપ્યું. આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગયો. ભારતને પહેલા અને બીજા હાફમાં ગોલ કરવાની ઘણી તકો મળી હતી, પરંતુ ભારત એક પણ તકનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું. ભારતની આગામી મેચ 11 જૂને કતાર સામે થશે.

છેત્રીને લોકોએ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

ભારતીય કેપ્ટન નિયમિતપણે કુવૈતના ડિફેન્સને ભેદવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તેના તમામ પ્રયાસો છેલ્લી ઘડી સુધી નિષ્ફળ સાબિત થયા હતા. મેચ ડ્રો થવાનું એક મોટું કારણ એ હતું કે ભારતીય ટીમનું ડિફેન્સ ઘણી વખત નબળું દેખાતું હતું, જેના કારણે કુવૈત ઘણી વખત ગોલ કરવાની ખૂબ નજીક આવ્યું હતી. આક્રમક વિભાગમાં ભારતીય ટીમ ફરી એકવાર સુનીલ છેત્રી પર નિર્ભર જોવા મળી હતી. મેચ પૂરી થયા બાદ સોલ્ટ લેક સ્ટેડિયમમાં લગભગ 58,000 લોકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું.

સાથી ખેલાડીઓ આપ્યું ગાર્ડ ઓફ ઓનર

જો કે કુવૈત સાથેની ભારતની મેચ ડ્રો રહી હતી, પરંતુ આ પછી બધાની નજર સુનીલ છેત્રી પર ટકેલી હતી. સમગ્ર ભારતીય ટીમે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું, પરંતુ આ ક્ષણે તેમને ભાવુક બનાવી દીધા હતા. સુનીલ પોતાના આંસુ પર કાબુ ન રાખી શક્યો અને પોતાની જર્સી વડે આંસુ લૂછતો જોવા મળ્યો.


કારકિર્દીમાં 94 ગોલ કર્યા

સુનીલ છેત્રીએ તેની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ કારકિર્દીમાં 151 મેચ રમી હતી, જેમાં તેણે 94 ગોલ કર્યા હતા. સુનીલ એવો ખેલાડી પણ હતો જેણે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ 4 હેટ્રિક ફટકારી હતી. છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વિશ્વનો ચોથો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતો. આ યાદીમાં પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (128), ઈરાનના અલી દાઈ (108) અને આર્જેન્ટિનાના લિયોનલ મેસ્સી (106) તેના ઉપર છે.

  • Follow us on: