- ફખર ઝમાન ઇન્જરીના કારણે એક સપ્તાહ ક્રિકેટથી દૂર થયો
- વન-ડે અને વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે
- મોહમ્મદ રિઝવાન વાઇરલ ઇન્ફેક્શનથી પીડિત છે અને તેનું રમવું શંકાસ્પદ
આઇસીસી વન-ડે વર્લ્ડ કપમાં શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનનો મુકાબલો થશે પરંતુ આ મેચ પહેલાં પાકિસ્તાની ટીમ સામે અનેક સમસ્યા છે. તેના ઘણા ખેલાડી બીમાર પડયા છે અને શુક્રવારે મજબૂત પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી સુકાની બાબર આઝમ અને મેનેજમેન્ટ માટે મોટી સમસ્યા બની છે. ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનનો પેસ બોલર શાહિન આફ્રિદી મેદાનમાં ઊતરે તેવી ઓછી સંભાવના છે. પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ હાલમાં મેડિકલ ટ્રિટમેન્ટમાંથી રિકવરી મેળવી રહ્યા છે. મોહમ્મદ રિઝવાન પણ વાઇરલ ઇન્ફેક્શનથી પીડિત છે અને તેનું પણ રમવું શંકાસ્પદ બન્યું છે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધી કુલ 107 મેચ રમાઈ છે જેમાં ઓસ્ટ્રેલિયાએ 69 અને પાકિસ્તાને 34 મેચ જીતી હતી. ત્રણ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું અને એક મેચ ટાઇ રહી હતી. વર્લ્ડ કપમાં બંને ટીમો કુલ 10 વખત રમી છે જેમાં ઓસ્ટ્રેલિયાએ છ અને પાકિસ્તાને ચાર મેચ જીતી છે. વર્તમાન વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણમાંથી માત્ર એક મેચ જીતી છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમે ટોપ-4મા સ્થાન જાળવી રાખવા માટે ત્રીજો વિજય મેળવવો પડશે. પાકિસ્તાનનો ટીમ ફખર ઝમાન ઇન્જરીના કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ગુમાવશે અને તે એક સપ્તાહ સુધી ક્રિકેટ રમી શકે તેમ નથી. ઝમાનને ખરાબ ફોર્મના કારણે ભારત અને શ્રીલંકા સામેની મેચમાં રમાડવામાં આવ્યો નહોતો પરંતુ ઓસ્ટ્રેલિયા સામે રમાડવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી. તેની ગેરહાજરીમાં ઇમામ ટીમમાં જળવાઈ રહેશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લાલ માટીની પિચ તૈયાર કરવામાં આવી છે અને આ પ્રકારની પિચ સામાન્ય રીતે પેસ બોલર્સને મદદરૂપ બનતી હોય છે પરંતુ કેટલાક સ્ટેડિયમમાં બેટ્સમેનો માટે સ્વર્ગસમી પણ બનતી હોય છે. આ સ્ટેડિયમમાં 26 વન-ડે રમાઈ છે અને પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 260 રનનો રહ્યો છે. 12 વખત રનચેઝ કરનાર ટીમને વિજય મળ્યો છે. છેલ્લે 2020માં રમાયેલી વન-ડેમાં ભારતે 287 રનના સ્કોરને ચેઝ કર્યો હતો.










