- વિન્ડીઝ પ્રથમ દાવ 144, સા. આફ્રિકા બીજો દાવ 5/223
- માર્કરામે 50 રન બનાવ્યા હતા અને વારેન 51 રન બનાવીને રમી રહ્યો હતો
- મેચના પ્રથમ દિવસે 17 તથા બીજા દિવસે આઠ વિકેટો પડી હતી
એડન માર્કરામ તથા કાયેલ વારેનની અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે 239 રનની લીડ મેળવીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.
પોતાના પ્રથમ દાવમાં 160 રન બનાવનાર સાઉથ આફ્રિકાએ બીજા દિવસની રમતના અંતે બીજા દાવમાં પાંચ વિકેટ 223 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝનો પ્રથમ દાવ 144 રનમાં સમેટાયો હતો. માર્કરામે 50 રન બનાવ્યા હતા અને વારેન 51 રન બનાવીને રમી રહ્યો હતો. સ્ટમ્પના સમયે વારેનની સામે વિયાન મૂલ્ડર 34 રન બનાવીને ક્રિઝ ઉપર હતો. આ પહેલાં વિન્ડીઝ માટે જેસન હોલ્ડરે અણનમ 54 રનની ઇનિંગ રમી હતી. તેણે શમર જોસેફ (25) સાથે 10મી વિકેટ માટે 40 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવીને ટીમનો સ્કોર સાઉથ આફ્રિકાના સ્કોરની નજીક પહોંચાડયો હતો. મેચના પ્રથમ દિવસે 17 તથા બીજા દિવસે આઠ વિકેટો પડી હતી. વિયાન મૂલ્ડરે સાઉથ આફ્રિકા માટે ચાર વિકેટ હાંસલ કરી હતી. વિન્ડીઝ માટે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ ઝડપનાર જેડેન સિલેસે બીજા દાવમાં બાવન રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.










