- અબજ ડોલરની ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી
- ભારત પાકિસ્તાનની છેલ્લી મુલાકાત 2008ના એશિયા કપમાં
- માત્ર એશિયા કપ અને આઈસીસી વર્લ્ડ કપમાં એકબીજા સામે જ રમે છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ શુક્રવારે કહ્યું કે જો ભારતીય ટીમ એશિયા કપ 2023માં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લેવા માટે ભારત નહીં જાય. રમીઝ રાજાની આ ધમકી બાદ ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. રમીઝ રાજાએ ઉર્દૂ ન્યૂઝ સાથે વાત કરતાં આ નિવેદન આપ્યું હતું અને ફરી એકવાર જૂના વિવાદને વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો.
રમીઝ રાજાના આ નિવેદન બાદ બીસીસીઆઈ તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે રમીઝ રાજાને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે ભારતને કોઈ પણ અવગણી શકે નહીં. ભારત રમતગમતની દુનિયામાં એક મોટી શક્તિ છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા, BCCI સેક્રેટરી જય શાહે ખુલાસો કર્યો હતો કે ભારત 2023 એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે અને ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજવામાં આવશે. ભારત પાકિસ્તાનની છેલ્લી મુલાકાત 2008ના એશિયા કપમાં હતી જ્યારે પાકિસ્તાન 2016 T20 વર્લ્ડ કપ માટે ભારત આવ્યું હતું. એટલું જ નહીં, 2012થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી અને બંને દેશો એકબીજા સામે માત્ર એશિયા કપ અને આઈસીસી વર્લ્ડ કપમાં જ રમે છે.
છેલ્લી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2022માં ટક્કર થઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી, જ્યારે પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી. ભારત ફાઈનલમાં ન પહોંચી શકયા બાદ રમીઝ રાજાએ ટીમ ઈન્ડિયા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે અબજ ડોલરની ટીમ ફાઇનલમાં પહોંચી શકી નથી જ્યારે પાકિસ્તાન ફાઇનલમાં પહોંચી ગયું છે.