- રિવિઝન પિટિશનનો એક મહિનાની અંદર નિકાલ કરવા આદેશ કર્યો
- CJM કોર્ટમાં પેન્ડિંગ કાર્યવાહી પર પ્રતિબંધ હટાવવાની માગ પર આદેશ આપોઃ SC
- હસીન જહાંએ શમી વિરુદ્ધ અનેક આરાપો લગાવી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
ક્રિકેટર મોહમ્મદ શમીથી અલગ રહેતી તેની પત્ની હસીન જહાંની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે પશ્ચિમ બંગાળના અલીપોરના સેશન્સ જજને શમી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન પિટિશનનો એક મહિનાની અંદર નિકાલ કરવા જણાવ્યું હતું. હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ફરિયાદ કરી હતી કે તેના વતી શમી વિરુદ્ધ નોંધાયેલા ફોજદારી કેસની કાર્યવાહી 4 વર્ષથી અટકી પડી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે શમીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી છે.
શું છે સમગ્ર મામલો
મોહમ્મદ શમી અને હસીન જહાંએ 2014માં લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો બાદ હસીના જહાંએ શમી પર અનેક આરોપો લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેણે શમી પર દહેજ માટે અત્યાચાર, મારપીટ અને અન્ય મહિલાઓ સંબંધો રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પણ આ આરોપનો પુનરોચ્ચાર કર્યો હતો. હસીન જહાંએ કહ્યું કે, શમીએ ક્રિકેટ પ્રવાસ દરમિયાન ગેરકાયદેસર સંબંધો બાંધ્યા હતા. તેનો વિરોધ કરવા પર તેને માર મારવામાં આવ્યો હતો. દહેજની પણ માગણી કરવામાં આવી હતી. જોકે, મોહમ્મદ શમી આ આરોપોને ખોટા ગણાવીને તેનો સતત વિરોધ કરી રહ્યો છે.










