• T20 વર્લ્ડકપ 2024, 1 જૂનથી શરૂ થવા જઇ રહ્યો છે
  • સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપની ટોપ-4 ટીમોના નામ જાહેર કર્યા
  • ટોપ-4 ટીમમાં ભારતની સાથે આ 3 દેશની પસંદગી કરી

ODI વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હાર સાથે ટીમ ઈન્ડિયાનું ICC ટ્રોફી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. હવે ટીમની નજર આગામી મહિને એટલે કે જૂનમાં શરૂ થવા જઈ રહેલા ટી-20 વર્લ્ડકપ પર છે. આ ટૂર્નામેન્ટ 1 જૂનથી શરૂ થવાનો છે, જે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે અને તેની ફાઈનલ મેચ 29 જૂને યોજાશે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે આ વર્લ્ડકપની ટોપ-4 ટીમોના નામ જાહેર કર્યા છે, જે ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર છે.

ભારત સહિત આ 3 દેશો દાવેદાર

સુનીલ ગાવસ્કરે T20 વર્લ્ડકપ 2024ની ટોપ-4 ટીમમાં ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની પસંદગી કરી છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે ધોનીની કપ્તાનીમાં 2007નો T20 વર્લ્ડકપ જીત્યો હતો. ત્યારથી, ટીમ આ ફોર્મેટની ICC ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી નથી. આગામી સિઝનમાં ભારત 5 જૂને આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આગામી મેચ 9મી જૂને પાકિસ્તાન સામે છે. ત્યારબાદ અમેરિકા (12 જૂન) અને કેનેડા (15 જૂન) સામે મેચ રમાશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન પણને મળ્યું સ્થાન

સુનીલ ગાવસ્કરે છેલ્લો T20 વર્લ્ડકપ જીતનાર ઈંગ્લેન્ડની ટીમને પણ ટોપ-4માં સ્થાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ બે વખત T20 વર્લ્ડકપ જીતી ચુકી છે. 2022 પહેલા ઇંગ્લેન્ડની ટીમ 2010માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી, જ્યારે તેણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સિવાય ભારતીય દિગ્ગજ ટીમે વેસ્ટ ઈન્ડિઝને પણ ટોપ-4માં સ્થાન આપ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ પણ બે વખત T20 વર્લ્ડકપ જીતી ચુક્યું છે. 2012 અને 2016માં ટીમ ડેરેન સેમીના નેતૃત્વમાં ચેમ્પિયન બની હતી.

ઓસ્ટ્રેલિયા પણ ટોપ-4માં સામેલ

ગાવસ્કરે 2021માં ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને T20 વર્લ્ડકપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને પણ ટોપ-4માં સ્થાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા આ ટુર્નામેન્ટ માત્ર એક જ વખત જીત્યું છે. આગામી સિઝનમાં ઓસ્ટ્રેલિયન ટીમ મિચેલ માર્શની કેપ્ટનશીપમાં રમશે. ટીમમાં ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક જેવા ખતરનાક ખેલાડીઓ પણ સામેલ છે, જેઓ એકલા હાથે મેચનો પલટો કરે છે. ઓસ્ટ્રેલિયા તેના અભિયાનની શરૂઆત 6 જૂને ઓમાન સામેની મેચથી કરશે.

  • Follow us on: