- બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં રોહિત શર્મા વાપસી કરશે
- 16 અથવા 17 ડિસેમ્બરે બાંગ્લાદેશ જવા રવાના થશે
- વન ડે શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચની વચ્ચે ભારતીય ટીમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી શ્રેણીની બીજી મેચ માટે ટૂંક સમયમાં બાંગ્લાદેશ પહોંચવાનો છે. આ ખેલાડી ઈજાના કારણે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમનો ભાગ બની શક્યો ન હતો.
આ ખેલાડી બીજી ટેસ્ટ માટે ટીમ સાથે જોડાશે
ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે આ મેચ 22 ડિસેમ્બરથી રમાશે. રોહિત આ ટેસ્ટમાં ટીમ સાથે જોડાઈ શકે છે. આ ઘટનાક્રમથી સંબંધિત એક સૂત્રએ જણાવ્યું કે રોહિતે બીજી ટેસ્ટ માટે 16 અથવા 17 ડિસેમ્બરે બાંગ્લાદેશ જવા રવાના થશે.
વન ડે શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી
રોહિત શર્માને વનડે શ્રેણીની બીજી મેચ દરમિયાન અંગૂઠામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે છેલ્લી વનડેમાંથી પણ બહાર થઈ ગયો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ રાહુલ ટીમની કપ્તાની કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં પણ કે.એલ રાહુલ છેલ્લી વનડેમાં કેપ્ટન હતો. જો રોહિત બીજી ટેસ્ટમાં રમશે તો તે કેપ્ટન તરીકે રમતા જોવા મળશે.
આ ખેલાડીને પ્રથમ ટેસ્ટમાં સ્થાન મળ્યું હતું
ઇજાગ્રસ્ત રોહિત શર્માના સ્થાને ચટગાંવ ટેસ્ટ મેચ માટે અભિમન્યુ ઇશ્વરનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જો કે તેને પ્લેઇંગ 11માં રમવાની તક મળી ન હતી. અભિમન્યુ ઇશ્વરન આ પહેલા પણ ઘણી વખત ટીમ ઇન્ડિયાનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ તે એક પણ વખત પ્લેઇંગ 11નો ભાગ બની શક્યો નથી.