- ભારતે જીતનો સિલસિલો જારી રાખતાં પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો હતો
- પાકિસ્તાનની ટીમના ડાયરેક્ટર મિકી આર્થર આ પરાજયને પચાવી નથી શક્યા
- તેમણે મેચ પુરી થયા પછી બીસીસીઆઇ પર જોરદાર કટાક્ષ કર્યો હતો
વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ભારતે પોતાનો જીતનો સિલસિલો જારી રાખતાં શનિવારે અમદાવાદમાં રમાયેલી હાઇવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો હતો.પાકિસ્તાનની ટીમના ડાયરેક્ટર મિકી આર્થર આ પરાજયને પચાવી નથી શક્યા અને ગિન્નાયા છે. તેમણે મેચ પુરી થયા પછી બીસીસીઆઇ પર જોરદાર કટાક્ષ કર્યો હતો. મિકીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલો આ મુકાબલો આઇસીસી ઇવેન્ટ નહીં પણ BCCI ઇવેન્ટ જેવી લાગતી હતી.
મિકી આર્થરે કહ્યું કે,'પ્રામાણિકતાથી કહું છું કે ભારત- પાકિસ્તાન મુકાબલો આઇસીસી ઇવેન્ટ નહોતી લાગતી. એવું લાગતું હતું કે આ દ્વિપક્ષીય મેચનો મુકાબલો રમાઇ રહ્યો છે. એવું લાગતું હતું કે જાણે આ બીસીસીઆઇનું આયોજન હોય. મેં માઇક્રોફોન પર દિલ-દિલ પાકિસ્તાન જેવું ખૂબ ઓછું સાંભળ્યું. મેચના પરિણામો પર તેની અસર પડે છે. પરંતુ હું મેચ હારી ગયાના બહાના તરીકે આ કારણનો ઉપયોગ નહીં કરું.'મેચના આરંભે લાગતું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાંટાનો મુકાબલો ખેલાશે. પરંતુ એવું બન્યું નહીં. ભારતે એકતરફી રીતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપી દીધો. મિકીને જ્યારે પૂછવામાં આવ્યું કે વિશ્વકપમાં પક્ષપાતભર્યું વાતાવરણ હોવું યોગ્ય છે? આવી બાબતને મંજૂરી મળવી જોઇએ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે આ મુદ્દે હું કદી કોમેન્ટ આપી શકીશ. પરંતુ હું દંડ થાય તેમ નથી ઇચ્છતો.










