- નોકઆઉટ મેચો માટે મહારાષ્ટ્ર (મુંબઇ,પૂણે) તથા બંગાળ (કોલકાતા) વેન્યૂ તરીકે નજીવા વિકલ્પ છે
- વૈશ્વિક મેજર ઇવેન્ટના પાંચ દિવસ પહેલાં આઇપીએલ પૂરી કરી દેવી પડશે
- કર્ણાટકમાં 26મી એપ્રિલ અને સાતમી મેએ ચૂંટણી યોજાવાની
આઇપીએલ 2024 પૂરી થવાના પાંચ દિવસમાં ભારતીય ટીમ બીજી જૂનથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં રમાનારા ICC ટી20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્ક રવાના થશે. આ સ્થિતિમાં આઇસીસીની ગાઇડલાઇન મુજબ બીસીસીઆઇએ વૈશ્વિક મેજર ઇવેન્ટના પાંચ દિવસ પહેલાં આઇપીએલ પૂરી કરી દેવી પડશે. બોર્ડ આઇપીએલના પાર્ટ-2ની લીગ મેચો યુઇએના ત્રણ વેન્યૂ અબુ ધાબી, દુબઇ અને શારજાહમાં રમાડીને ત્રણ પ્લે ઓફ મુકાબલા અને ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડી શકે છે. ગુજરાતમાં સાતમી મેએ ચૂંટણી યોજાઈ જવાની હોવાના કારણે અંતિમ ચાર મેચો માટે માર્ગ મોકળો બની શકે છે. પ્લે ઓફ માટે કોલકાતાના ઇડન ગાર્ડન્સ માટે વિચારણા થઈ શકે છે પરંતુ ત્યાં 19મી એપ્રિલથી પહેલી જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થાની સમસ્યા ઊભી થઊ શકે છે. ત્યારબાદ બીજા વેન્યૂ તરીકે મુંબઇની વિચારણા થઈ શકે છે પરંતુ મહારાષ્ટ્રમાં 19મી એપ્રિલથી 20મી મે સુધી પાંચ તબક્કામાં ચૂંટણી યોજાવાની હોવાના કારણે પૂણે અને મુંબઇમાં પ્લે ઓફની મેચો રમાડવા અંગે પણ બોર્ડ દ્વિધામાં રહી શકે છે. કર્ણાટકમાં 26મી એપ્રિલ અને સાતમી મેએ ચૂંટણી યોજાવાની છે અને આ રાજ્યમાં બેંગ્લોર વેન્યૂ બની શકે છે પરંતુ આ રાજ્યમાં પાણીની સમસ્યાઓ ઊભી થઈ હોવાના કારણે આ વિકલ્પ ઉપર પૂર્ણવિરામ મૂકવામાં આવી શકે છે.










