- તેણે સમગ્ર સપ્તાહ દરમિયાન મજબૂત ટેનિસનું પ્રદર્શન કર્યું છે
- આજે મારા માટે મારો કમ્ફોર્ટ ઝોન શોધવો મુશ્કેલ રહ્યો હતો પરંતુ તેમ છતાં જીત મેળવવી આનંદદાયક રહી હતી
- એજ પ્રમાણે સ્વિયાતેકે ટીનેજ સેન્સેશન મિરા એન્ડ્રીવાના પડકારને ઝીલી લઇને એક સેટથી પાછળ રહી ગયાં
વર્લ્ડ રેન્કિંગમાં નંબર એકનું રેન્કિંગ ધરાવતાં જેનિક સિનર અને ઇગા સ્વિયાતેક આકર્ષક કમબેક પ્રદર્શન કરતાં ATP અને WTA સિનસિનાટી ઓપનની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કુ કરી દીધું છે.
આગલા શનિવારે મોન્ટ્રીયલમાં આન્દ્રે રુબલેવ સામે મળેલા પરાજયનો બદલો લેતાં સિનરે આ છઠ્ઠો રેન્ક ધરાવતાં ખેલાડીને જોરદાર ફાઇટ બાદ 4-6, 7-5, 6-4થી પરાસ્ત કર્યો હતો. એજ પ્રમાણે સ્વિયાતેકે ટીનેજ સેન્સેશન મિરા એન્ડ્રીવાના પડકારને ઝીલી લઇને એક સેટથી પાછળ રહી ગયાં બાદ 4-6, 6-3, 7-5થી વિજય હાંસલ કર્યો હતો. સિનસિનાટી ઓપનની મેન્સ સેમિફાઇનલમાં સિનરનો સામનો 2021ના ચેમ્પિયન એલેકઝાન્ડર ઝેવરેવ સામે થશે કે જે હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજો રેન્ક ધરાવે છે. નોંધનીય છે કે ઝેવરેવે ફાઇનલ સેટમાં વરસાદના વિધ્ન વચ્ચે બેન શોલ્ટનને 3-6, 7-6 (7/3), 7-5થી પરાજય આપ્યો હતો. ત્રીજા સેટમાં ગેમ વારંવાર અટકી જતી હતી તેમ છતાં જર્મન પ્લેયરે સિનસિનાટી ઓપનની સેમિફાઇનલમાં સતત ત્રીજી વાર પોતાનં સ્થાન ફાઇનલ કર્યું છે. કઠિન મેચમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ જર્મન ખેલાડીએ જણાવ્યું હતું કે કોર્ટની પરિસ્થિતિ અને અડચણો કઠિન હતાં પરંતુ મેચનો સૌથી કઠિન પાર્ટ બેન હતો. તેણે સમગ્ર સપ્તાહ દરમિયાન મજબૂત ટેનિસનું પ્રદર્શન કર્યું છે. આજે મારા માટે મારો કમ્ફોર્ટ ઝોન શોધવો મુશ્કેલ રહ્યો હતો પરંતુ તેમ છતાં જીત મેળવવી આનંદદાયક રહી હતી.