ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે સ્કોટલેન્ડ સામેની ત્રણ મેચની T20 સિરીઝની ત્રીજી મેચ 6 વિકેટે જીતીને ક્લિન સ્વીપ કર્યું હતું. એડિનબર્ગના મેદાન પર રમાયેલી સિરીઝની ત્રીજી T20 મેચમાં ટ્રેવિસ હેડ માત્ર 12 રન જ બનાવ્યા હતા, પરંતુ આ સાથે તેણે ગ્લેન મેક્સવેલ અને શેન વોટસનને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનારો બીજા ખેલાડી બની ગયો છે.
ટ્રેવિસ હેડે 35 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા
ટ્રેવિસ હેડે T20 ઈન્ટરનેશનલમાં તેના 1000 રન પૂરા કરવા માટે 35 ઈનિંગ્સ લીધી અને એરોન ફિન્ચ પછી આ આંકડા સુધી પહોંચનાર બીજો સૌથી ઝડપી ખેલાડી બન્યો છે. ફિન્ચે T20 ઈન્ટરનેશનલમાં માત્ર 29 ઈનિંગમાં પોતાના 1000 રન પૂરા કર્યા. આ યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાન પર શેન વોટસન અને ગ્લેન મેક્સવેલનું નામ છે, જેમણે હજાર રન પૂરા કરવા માટે 36 ઇનિંગ્સ રમી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ડેવિડ મલાનના નામે છે, જેણે માત્ર 24 ઈનિંગમાં આ આંકડો પાર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા માટે T20 Iમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ખેલાડી
- એરોન ફિન્ચ – 29 ઇનિંગ્સ
- ટ્રેવિસ હેડ – 35 ઇનિંગ્સ
- શેન વોટસન – 36 ઇનિંગ્સ
- ગ્લેન મેક્સવેલ – 36 ઇનિંગ્સ
- ડેવિડ વોર્નર - 37 ઇનિંગ્સ
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી T20 સરળતાથી જીતી લીધી
ઓસ્ટ્રેલિયન ટીમે સ્કોટલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં 150 રનના લક્ષ્યાંકનો પીછો 16.1 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને કર્યો હતો. એક સમયે, ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ 18ના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મિચેલ માર્શ અને કેમેરોન ગ્રીને દાવ સંભાળ્યો અને ટીમને જીત તરફ લઈ જવાનું કામ કર્યું. ગ્રીન 39 બોલમાં 62 રન બનાવીને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો અને ટીમને મેચ જીતવામાં મદદ કરી હતી. હવે ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડ સામે 11 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 સિરીઝ રમશે, જેની પ્રથમ મેચ સાઉથમ્પટનમાં રમાશે.