- શ્રીલંકાની કોર્ટે 2 ભારતીયોને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો
- આ બંને પર લિજેન્ડ્સ ક્રિકેટ લીગ (LCL)માં મેચ ફિક્સિંગનો આરોપ
- દોષી સાબિત થશે તો ભારે દંડની સાથે 10 વર્ષ સુધીની જેલની સજા થશે
શ્રીલંકાની કોર્ટે 2 ભારતીયોને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ બંને પર લિજેન્ડ્સ ક્રિકેટ લીગ (LCL)માં મેચ ફિક્સિંગનો આરોપ છે. હાલ બંને જામીન પર બહાર છે. અહેવાલો અનુસાર, યોની પટેલ અને પી આકાશ પર LCLમાં માર્ચમાં રાજસ્થાન કિંગ્સ અને ન્યૂયોર્ક સુપર સ્ટ્રાઈકર્સ વચ્ચેની મેચ ફિક્સ કરવાનો આરોપ હતો. જ્યારે 8 અને 19 માર્ચે પલ્લેકેલે સ્ટેડિયમમાં મેચ યોજાવાની હતી, ત્યારે બંને પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. યોની પટેલ કેન્ડી સ્વેમ્પ આર્મીના માલિક છે જે લીગમાં પણ ભાગ લે છે.
10 વર્ષ સુધીની થઇ શકે છે સજા
સ્પોટ ફિક્સિંગના આરોપો બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે બંનેને શ્રીલંકા છોડવાની મંજૂરી આપી ન હતી. હવે કેસની તપાસ ચાલી રહી છે, કોર્ટે બંનેને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, શ્રીલંકામાં મેચ ફિક્સિંગ સામે ફોજદારી કાયદો છે. જો દોષી સાબિત થાય છે, તો કોઈપણ વ્યક્તિને ભારે દંડની સાથે 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2019માં શ્રીલંકા એ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો જેણે મેચ ફિક્સિંગ અને રમતગમતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો ઘડ્યો.
LCLને ICC દ્વારા માન્ય નથી
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી નીલ બ્રૂમ અને શ્રીલંકાના ભૂતપૂર્વ ODI કેપ્ટન ઉપુલ થરંગા તરફથી પટેલ અને આકાશ દ્વારા લીગમાં ખરાબ પ્રદર્શન કરીને રમતોમાં છેડછાડ કરવાના પ્રયાસો અંગે ફરિયાદો મળી હતી. થરંગા હાલમાં રાષ્ટ્રીય પસંદગીકારોના ચીફ છે. ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટે પટેલ અને આકાશને તપાસ બાકી હોય ત્યાં સુધી દેશમાં જ રહેવાનો આદેશ આપ્યો હતો. લિજેન્ડ્સ ક્રિકેટ લીગને ICC અથવા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી.