• ભાવનગર યુનિવર્સિટીના બે ખેલાડીઓની ટેબલ ટેનિસમાં વિશ્વ કક્ષાએ ભાગ લેવા પસંદગી
  • જેયસ્વાલ મહિલા ટીમમાં અને જયનીલ મહેતા યુવકોની ટીમમાં પસંદગી પામ્યા
  • ભાવનગરની યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌપ્રથમ ઘટના છે

ચીનમાં યોજાનારી વર્લ્ડ યુનિવર્સિટી માટેની ભારતીય ટીમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નામના જયસ્વાલ અને જયનીલ મહેતાની પસંદગી કરવામાં આવી છે. આ ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌપ્રથમ ઘટના છે જ્યારે ભાવનગરની યુનિવર્સિટીના બે ખેલાડીઓ ટેબલ ટેનિસમાં વિશ્વ કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. વધુ માહિતી આપતા યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક ડૉ. દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે, આગામી તારીખ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ચીન ખાતે યોજાનારી 31મી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ટેબલ ટેનિસ રમત માટે ભારતની ટીમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બે ખેલાડીઓ નામના જેયસ્વાલ (સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ) મહિલા ટીમમાં અને જૈનિલ મહેતા (કે પી એસ કોલેજ)યુવકોની ટીમમાં પસંદગી પામ્યા છે. આ પસંદગી પામીને તેઓએ ઇતિહાસ રચ્યો છે.

આ અગાઉ ચંદીગઢમાં યોજાયેલા ભારતીય ટીમના સિલેક્શન ટ્રાયલમાં નામના જયસ્વાલે નોંધપાત્ર વિજય મેળવીને ભારતીય ટીમમાં પોતાનો પ્રવેશ પાકો કર્યો હતો. જ્યારે જૈનિલ મહેતાએ પણ નોંધપાત્ર વિજય મેળવીને ભારતીય યુવકોની ટીમમાં સ્થાન મેળવ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસમાં આ સૌપ્રથમ ઘટના છે કે જેમાં આ યુનિવર્સિટીના બે ખેલાડીઓ વિશ્વ કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. આ બંને ખેલાડીઓએ સમગ્ર યુનિવર્સિટી, ભાવનગર તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ કાર્યકારી કુલપતિ ડો. એમ. એમ. ત્રિવેદી, કુલ સચિવ ડો. કે. એલ. ભટ્ટ, ઇસીના સભ્યો, કોર્ટ સભ્યો અને અન્ય અધિકારીઓ તેમજ ટેબલ ટેનિસ એસો.ના પ્રમુખ નિશિથભાઈ મહેતાએ અભિનંદન આપી શુભેચ્છા આપી છે.

  • Follow us on: