- ભારતીય ઓપનર અર્શિન કુલકર્ણીએ શાનદાર સદી (108) ફટકારી
- મુશીરે 76 બોલમાં છ બાઉન્ડ્રી અને એક સિક્સરની મદદથી 73 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી
- 327 રનના ટાર્ગેટ સામે અમેરિકન ટીમ આઠ વિકેટે માત્ર 125 રન જ કરી શકી હતી
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે અમેરિકન ટીમને 201 રનના જંગી અંતરથી પરાજય આપીને સુપર સિક્સમાં પ્રવેશ કર્યો હતો. 327 રનના ટાર્ગેટ સામે અમેરિકન ટીમ આઠ વિકેટે માત્ર 125 રન જ કરી શકી હતી. આ પહેલા ટીમ ઇન્ડિયાએ અમેરિકન ટીમ સામે જીત માટે 50 ઓવરમાં 327 રનનું મુશ્કેલ લક્ષ્યાંક ખડક્યું હતું. અમેરિકન ટીમે ટોસ જીતીને ટીમ ઇન્ડિયાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને અમેરિકન ટીમનો આ નિર્ણય એકદમ ખોટો સાબિત થયો હતો. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 326 રન બનાવી અમેરિકાને જીત માટે 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ટીમ ઇન્ડિયા વતી ઓપનર અર્શિન કુલકર્ણીએ સદી ફટકારી હતી. કુલકર્ણીએ 118 બોલમાં આઠ બાઉન્ડ્રી અને 3 સિક્સરની મદદથી 108 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી જ્યારે ગત મેચના સદીવીર મુશીર ખાને અમેરિકા સામે પણ શાનદાર રમતનું પ્રદર્શન કરતા અર્ધસદી ફટકારી હતી. મુશીરે 76 બોલમાં છ બાઉન્ડ્રી અને એક સિક્સરની મદદથી 73 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.










