- US OPENમાં મેન્સ તથા વિમેન્સમાં એક પણ ખેલાડી સતત બે વર્ષ ચેમ્પિયન બની શક્યા નથી
- કોકો ગોફે મેચમાં 19 ડબલ ફોલ્ટ કર્યા, એમ્મા નવારો અને આર્યના સબાલેન્કો ક્વાર્ટર ફાઇનલમાં
- યુએસ ઓપનમાં છેલ્લા 10 વર્ષથી સતત ટાઇટલ નહીં જીતી શકવાનો સિલસિલો જારી રહ્યો
ગયા વર્ષની ચેમ્પિયન અમેરિકાની કોકો ગોફ પોતાના ઘરઆંગણે રમાતા વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં પોતાના ટાઇટલનું ડિફેન્સ કરવામાં નિષ્ફળ રહી હતી અને તેનું અભિયાન ચોથા રાઉન્ડમાં જ પૂરું થઇ ગયું હતું.
આ રીતે યુએસ ઓપનમાં છેલ્લા 10 વર્ષથી સતત ટાઇટલ નહીં જીતી શકવાનો સિલસિલો જારી રહ્યો છે. ત્રીજી ક્રમાંકિત ગોફે મેમચાં 19 ડબલ ફોલ્ટ કર્યા હતા અને તે એમ્મા નવારો સામે 6-3, 4-6, 6-3થી હારી ગઇ હતી. ગોફ છેલ્લી કેટલીક ટૂર્નામેન્ટમાં અણીના સમયે ફોર્મ અને રિધમ ગુમાવી રહી છે. તે પેરિસ ઓલિમ્પિકમાં પણ ત્રીજા રાઉન્ડમાં હારી ગઇ હતી. મેન્સ સિંગલ્સમાં શુક્રવારે ગયા વર્ષના ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકોવિચના ત્રીજા રાઉન્ડમાં થયેલા પરાજય બાદ ગોફનો પણ પરાજય થવાની સાથે છેલ્લા 10 વર્ષથી ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત બે વર્ષ યુએસ ઓપન જીતી શક્યા નથી.વિમેન્સ સિંગલ્સમાં છેલ્લે સેરેના વિલિયમ્સે 2012થી 2014 સુધી સતત ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. મેન્સ સિંગલ્સમાં રોજર ફેડરરે 2004થી 2008 સુધી આ સિદ્ધિ મેળવી હતી.










