બેલારુસની અરીના સબાલેન્કાએ અમેરિકન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. સબાલેન્કાએ પહેલીવાર યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે.
સબાલેન્કાની કેરિયરનું આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તે 2023 અને 2024માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી છે. તે સિવાય તે 2021 અને 2023માં વિમ્બલ્ડન અને 2023માં ફ્રેન્ચ ઓપનની સેમીફાઇનલમાં પહોંચી હતી. સબાલેન્કોનું વર્તમાન રેન્કિંગ બે છે. સબાલેન્કોએ ફાઇનલમાં અમેરિકાની જેસિકા પેગુલાને સતત બેસેટમાં 7-5, 7-5થી પરાજય આપ્યો હતો. મેન્સ સિંગલ્સની ફાઇનલ યાનિક સિનર અને ટેલર ફ્રિટ્ઝ વચ્ચે રમાશે.
બીજા સેટમાં એક વાર પેગુલાએ 3-0થી લીડ મેળવી લીધી હતી અને પછી તેણે લીડ 5-3ની કરી લીધી હતી. જોકે, સબાલેન્કોએ તે બાદ જોરદાર વાપસી કરી હતી એન ટાઇ બ્રેકરમાં સેટ 7-5થી પોતાના નામે કર્યો હતો. સબાલેન્કા બંને સેટ ટાઇબ્રેકરમાં જીતી હતી. સબાલેન્કાએ 40 વિનર્સ લગાવ્યા હતા અને 2016 બાદ એન્જેલિક કર્બર બાદ એક જ સીઝનમાં બે હાર્ડકોર્ટ મેજર પર કબ્જો જમાવનારી પહેલી મહિલા બની ગઇ છે. અરીના સબાલેન્કા 2023માં ફાઇનલમાં કોકો ગોફ સામે પરાજીત થઇ હતી.
23 હજાર પ્રેક્ષકો મેદાનમાં હાજર હતા
ફાઇનલ મેચ જોવા માટે કોર્ટમાં 23 હજાર જેટલા પ્રેક્ષકો હાજર હતા. જેમાં પેરિસ ઓલિમ્પિકમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતનાર નોઆ લાયલ્સ, એનબીએ સ્ટાર સ્ટીફ કરી અને પૂર્વ ફોર્મ્યુલા-1 વર્લ્ડ ચેમ્પિયન લુઇસ હેમિલ્ટન જેવા દિગ્ગજ સામેલ હતા. મોટાભાગના લોકો અમેરિકાની જેસિકા પેગુલાને સમર્થન કરી રહ્યા હતા. પરંતુ પેગુલા સબાલેન્કાની સર્વિસ અને શોટ્સ સામે અસહાય જોવા મળી હતી.